લાંચ કેસ:વલસાડના લાંચ કેસમાં વકીલના રિમાન્ડ પૂરા થતાં જ્યુ.કસ્ટડીમાં

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.50 લાખની લાંચ માંગનાર મહિલા PSI હજુ ફરાર

વલસાડ સિટી પોલીસની હદમાં નોંધાયેલા દારૂના કેસમાં સેલવાસના બાર માલિકના પૂત્રનું નામ ખુલ્યું હોવાનું જણાવી મહિલા પીએસઆઇ વતી રૂ.1.50 લાખની લાંચના કેસમાં ઝડપાયેલા પોલીસના વચેટિયા કહેવાતા વકીલના 1 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

વલસાડ પોલીસની હદમાં પકડાયેલા દારૂના એક કેસમાં સેલવાસના બારના માલિકના પૂત્રનું નામ ખુલ્યું હોવાનું જણાવી વલસાડ પોલીસ સ્ટેશનમાં હાજર થવાની નોટિસ જારી કરી મહિલા પીએસઆઇ વાય.જે.પટેલે હેરાન કરવાનું ચાલુ કર્યું હતું.આ કેસની પતાવટ માટે અને બાર માલિકના પૂત્રને જેલમાં નહિ પૂરવા લાંચની માગણી કરવામાં આવી હતી.જે માટે મહિલા પીએસઆઇએ વલસાડના વકીલ ભરત યાદવનો સંપર્ક કરવા જણાવ્યું હતું.આ કેસમાં પતાવટ કરવા માટે ખુબ મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી પરંતુ ભારે રકઝકના અંતે વલસાડના વકીલ ભરત યાદવ સાથે ફરિયાદીની વાતચીત થયા બાદ છેવટે રૂ.1.50 લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું.

આ બાબતે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી મહિલા પીએસઆઇ વાય.જે.પટેલ અને વકીલ ભરત યાદવ વિરૂધ્ધ લાંચની ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એસીબીએ વલસાડમાં ધામો નાંખી છટકું ગોઠવતા વલસાડ મામલતદાર કચેરી સામે વકીલ ભરત યાદવ મહિલા પીએસઆઇ વતી રૂ.1.50 લાખની લાંચ લેતા ઝડપાઇ જતાં વકીલ આલમ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.આ કેસમાં એસીબીએ વકીલ યાદવના 1 દિવસના રિમાન્ડ સેશન્સ કોર્ટમાંથી મેળવ્યા હતા,જે પૂરાં થતાં કોર્ટે જ્યુડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.આ કેસના બીજા એક આરોપી મહિલા પીએસઆઇ હજી ફરાર હોવાથી એસીબીએ શોધખોળ જારી રાખી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...