આદેશ:અકસ્માત કેસમાં વલસાડ કોર્ટે મૃતકની દીકરીને 4.30 કરોડનું વળતર ચૂકવવા આદેશ કર્યો

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસંબાના રહીશનું ટ્રકની ટક્કરે મોત થયું હતુ

વલસાડના કોસંબાના રહીશ હરીશભાઇ મનુભાઇ ટંડેલ સ્ટાર શીપ મરીન પ્રા.લિ.કંપનીમાં નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર 2700 અમેરિકન ડોલર હતો.દરમિયાન તેઓ મુંબઇ આવી પોતાના વતન વલસાડ કોસંબા ખાતે આવવા માટે 18 માર્ચ 2010ના રોજ રાત્રે મુંબઇથી કાર લઇને આવી રહ્યા હતા ત્યારે મળસ્કે 4 વાગ્યાના સુમારે મુંબઇ નજીક કાશા પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક ચાલકે કારને જોરદાર ટક્કર મારતા હરીશ ટંડેલ ઉ.32નું મોત થયું હતું.તે દરમિયાન વીમા પોલીસી ધરાવતા હતા.

આ કેસમાં વીમા કંપની પાસેથી વ‌ળતર મેળવવા માટે મરનારની પત્ની રત્નાબેન ટંડેલે વળતર મેળવવા મહારાષ્ટ્રની દહાણુ કોર્ટમાં ટ્રક ચાલક અને શ્રીરામ જનરલ વીમા કંપની વિરૂધ્ધ કેસ પણ કર્યો હતો.અકસ્માત થયો ત્યારે મરનારની પત્ની ગર્ભવતી હતી.બાદમાં પૂત્રી શ્રેયાનો જન્મ થયો હતો.ત્યારબાદ મૃતકની વિધવા પત્નીએ વલસાડ જિલ્લા મોટર એકસિડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલમાં નુકસાની ‌વળતર મેળવવા વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત ડી.દેસાઇ તથા તેમના પૂત્ર વકીલ મહર્ષિ બી.દેસાઇ મારફત રૂ.3 કરોડની નુકસાનીનું વળતર માટે અરજી કરી હતી.

આ કેસ દરમિયાન મૃતકના પત્ની રત્નાબેનનું પણ કોરોના કાળમાં મૃત્યુ થતાં દીકરી શ્રેયાએ માતા પિતાનું છત્ર ગુમાવી દીધું હતું.આ કેસમાં સમગ્ર સંજોગો ધ્યાને લઇ વકીલ ભરત ડી.દેસાઇ અને મહર્ષિ બી. દેસાઇએ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચૂકાદાઓ ટાંકી રજૂ કરેલી દલીલો ગ્રાહય રાખી ટ્રિબ્યુનલના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે વીમા કંપનીને વ‌‌ળતર અને વ્યાજ સહિત કુલ રૂ.4.30 કરોડ ચૂકવી દેવા ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.જેને લઇ માતા પિતાનું છત્ર ગુમાવનાર સગીર દીકરી શ્રેયાને જીવન જીવવામાં મોટી રાહત મળશે.અકસ્માત કેસમાં આ પ્રકારે જંગી વળતરનો આ ઐતિહાસિક ચૂકાદો હોવાનું વકીલોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...