મહારાષ્ટ્રના તલાસરી ખાતે કન્ટેનર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈકને કન્ટેનર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો. જ્યારે બાઈક કન્ટેનર નીચે ફસાઈ જતા તલાસરીથી ભિલાડ RTO ચેકપોસ્ટ સુધી 15 કિલોમીટર સુધી બાઈક ઢસડાયું હતું. આ અકસ્માતમાં બાઈક કન્ટેનર નીચે ફસાઈ જતા રાત્રી દરમિયાન હાઇવે ઉપર તણખલા ઉડતા જોવા મળ્યા હતા. તલાસરીથી કન્ટેનર ચાલકને પકડવા વાહન ચાલકોએ પીછો કર્યો હતો. જોકે, ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે કન્ટેનર ચાલક કન્ટેનર મૂકી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પોલીસે કન્ટેનર અને બાઈક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના તલસારી નજીક હાઈવે પર બાઈક નં.GJ-15-AS-1293ના ચાલક ઈશ્વર કાકળે પાતોલકર બાઈક લઈ જઈ રહ્યો હતો. ત્યારે કન્ટેનર નં. MH-48-BM-4630નો ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઈશ્વરની બાઈકને અડફેટમાં લીધું હતું. જેથી અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં કન્ટેનર નીચે બાઈક ફસાઈ ગઈ હતી. જોકે, બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો. જ્યારે બાઈક કન્ટેનર નીચે ફસાઈ ગઈ હોવા છતા કન્ટેનર ચાલક ભાગી રહ્યો હતો. આ અકસ્માત જોનારા સ્થાનિકો ચાલકને પકડવા તેની પાછળ દોડી રહ્યા હતા. પણ કન્ટેનર ચાલક ઉભો ન રહી છેક 15 કિમી ભિલાડ RTO સુધી બાઇકને ઢસડી કન્ટેનર મૂકી અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ અકસ્માત દરમિયાન બાઈક ચાલક રોડ ઉપર પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આજુબાજુના લોકોએ બાઈક ચાલકને તલાસરીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલ તેની હાલત ગંભીર બતાવી રહ્યા છે. ત્યારબાદ સ્થાનિકોએ તલસારી પોલીસને જાણ કરી હતી અને ટેમ્પો ભિલાડ RTO ઉપર પડયો હોવાની જાણકારી આપતા તલસારી પોલીસે ભિલાડ RTO ઉપર આવી ક્રેન મારફતે અકસ્માત ગ્રસ્ત બાઈક અને ટેમ્પોને તલસારી પોલીસ મથકે લઈ ગયા હતા. તલસારી પોલીસે કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.