વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો હતો. કિશોરને પોલીસને સોંપવાને બદલે લોકોએ જાતે જ ન્યાય કરી નાખતાં ચકચાર મચી છે. મોટી દમણ પોલીસે વીડીયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.
પશુને પણ ના કરે એવી સજા માસૂમ કિશોરને કરી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો પીડિત કિશોર પર ચોરીનો આરોપ મૂકી રહ્યા છે. જો ખરેખર કિશોર ચોરી કરતા ઝડપાયો હોય તો તેને પોલીસને સોંપવો જોઈએ. એને બદલે લોકોએ પૂરી હકીકત જાણ્યા વગર જાતે જ ન્યાય કર્યો હતો, એ પણ તાલીબાન જેવો. એકલો કિશોર રડતો રડતો છોડી દેવાની અરજ કરતો રહ્યો, પણ ઉપસ્થિત લોકોમાંથી એકપણ વ્યકિતને દયા ના આવી. સગીર જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે લોકોએ તેનાં કપડાં કાઢી નાખી રસ્તા પરના એક બોર્ડની એંગલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ પીડિતને જમીન પર પછાડી તેના પગ પર એક વ્યકિત ઊભો રહી માર મારતો જોવા મળી રહ્યો છે.
'ખાખીવર્દી વાળો કર્મચારી પોલીસ વિભાગનો નથી' સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં જ્યારે લોકો કિશોરને જમીન પર પટકી માર મારી રહ્યા છે ત્યારે જ નજીકમાં એક ખાખી વર્દીધારી પણ જોવા મળી રહ્યો છે.જેને લઈ સવાલો ઉઠતા એસપીએ સ્પષ્ટતા કરી કહ્યું હતું કે, વીડિયોમાં જે ખાખી વર્દીમાં વ્યકિત દેખાઈ રહ્યો છે તે પોલીસ વિભાગનો કર્મચારી નથી.
કેટલાક લોકો માર મારતા રહ્યા, બાકીના તમાશો જોતા રહ્યા
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો સગીર કિશોરના હાથ બાંધી રહ્યા છે, કેટલાક ચપ્પલ વડે મારી રહ્યા છે તો કેટલાક પગ પર ઊભા રહી ત્રાસ ગુજારી રહ્યા છે. તો બીજી તરફ તમામ વીડિયોમાં સગીર રડી રહ્યો છે અને છોડી દેવાની આજીજી કરી રહ્યો છે, પરંતુ લોકોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય એ રીતે તેને માર મારી રહ્યા છે. તો બીજી તરફ આસપાસ ઊભેલા લોકો પણ સગીરને બચાવવાના બદલે તમાશો જોતા જોવા મળી રહ્યા છે.
પોલીસે ત્રણ ઈસમોની ઓળખ કરી ધરપકડ કરી
સગીર સાથે અમાનવીય કૃત્ય કરનારા તત્વોમાંથી ત્રણ શખ્સોની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે નાનુભાઈ પટેલ, દિલીપ પટેલ અને નરેશ પટેલ નામના વ્યકિતોની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસ દ્વારા પીડિત સગીરની પણ શોધખોળ શરૂ કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.