"સાંસદ માફી માંગે":ભરૂચના સાંસદના વિરોધમાં વલસાડના 215 કર્મીઓ આજે માસ સીએલ પર, સરકારી કામકાજ અર્થે આવતા લોકોનાં કામ અટવાયાં

વલસાડ5 મહિનો પહેલા
  • મનસુખ વસાવાએ કરેલા અભદ્ર વર્તનના વિરોધમાં રાજ્યના મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર
  • મનસુખ વસાવા માફી નહીં માંગે તો આવતીકાલથી પેન ડાઉનનો કાર્યક્રમ

રેતી ખનન મામલે ભરૂચના ધારાસભ્ય મનસુખ વસાવાએ મહેસુલી કર્મચારી અને મામલતદાર સાથે અસભ્ય ભાષામાં વાત કરી વિવાદ સર્જ્યો હતો. જેને લઈને રાજ્યના મહેસુલી કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી તેમજ આજે શુક્રવારે માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે. તેમજ સાંસદ તેમના અશોભનીય વર્તન માટે માફી માંગે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતાં સરકારી કામકાજ અર્થે આવતાં સ્થાનિકોનાં કામ અટવાયાં હતાં.

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ તાલુકાના માલોદ ગામે મામલતદારને જાહેરમાં અપશબ્દો બોલવાનો વીડિયો વાયરલ થયા બાદ સાંસદ દ્વારા માફી માગવામાં આવે તેવું આવેદનપત્ર મામલતદાર એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી સાંસદ દ્વારા આ પ્રકારે કોઈ માફી ન માગવામાં આવતા રાજ્યના તમામ મામલતદારોએ ઉચ્ચારેલી ચીમકી બાદ સાંસદ સામે આંદોલન શરું કર્યું છે. જેના અંતર્ગત ગઈકાલે ગુરૂવારના રોજ રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. જ્યારે આજે 4 માર્ચના રોજ મામલતદારો માસ સીએલ પર ઉતર્યા હતા.

ત્યારે વલસાડ જિલ્લાના પણ મામલતદાર, 125 જેટલા નાયબ મામલતદાર, રેવન્યૂ ક્લાર્ક, 38 જેટલા રેવન્યૂ તલાટી 52 મળી 215 જેટલા સરકારી કર્મચારીઓ પોતાના કામથી અળગા રહી કાળી પટ્ટી ધારણ કરી એક દિવસ માસ સી-એલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જેમ બને એમ જલદીથી સાંસદ મનસુખ વસાવા પોતાની ભૂલ સ્વીકારી માંફી માંગે એવી માંગ કરી છે. જો સાંસદ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં પણ આ વિરોધ ચાલુ જ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના એક દિવસનાં માસ સીએલ અને વિરોધ કાર્યક્રમને લઈ સરકારી કામકાજ અર્થે આવતા લોકોનાં કામ અટવાઈ જવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...