વલસાડ જિલ્લાના પારડી શહેરમાં આવેલ શાકભાજી માર્કેટ નજીક આવેલા તળાવ કિનારે રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ તોફાનો મચાવતા રહે છે. તકેદારીના ભાગ રૂપે પારડી નગર પાલિકાને રખડતા પશુઓને પાંજરે પુરવા અપીલ કરી છે. સાંજે ખોરાકની શોધમાં રસ્તે રખડતા પશુઓ લડાઈ કરતા હોવાથી લોકો માટે જોખમી રહે છે.
શાકભાજી તેમજ મચ્છી માર્કેટમાં રોજના વેપારી તેમજ ગ્રાહકો આવતા હોય છે ત્યારે અહીં બે આખલા તોફાને ચડતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સામાજિક કાર્યકર કિર્તીભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે બે આંખલા તોફાને ચઢતા લડાઈમાં એક બળદ બીજા બળદને પાણીમાં ધકેલી દીધો હતો. ત્યારે બળદનો એક પગ શીંગડામાં ભેરવાઈ ગયો હતો. જેની જાણ એકતા બેને કિર્તીભાઈ ને કરતા સ્થળ પર આવી પહોંચ્યા હતા, અને બળદને પાણીમાંથી બહાર કાઢવા માટે મહેશભાઈએ દોરડા વડે પગ બાંધીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ભારે જેહમતે તળાવના પાણીમાંથી બળદને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આખલો મૃત્યુ પામ્યો હતો. આ અંગે તેઓએ નગરપાલિકા તથા પશુપાલકોને પોતાના ઢોરો બાંધી રાખવા અપીલ કરી હતી. અને એક બળદ બીજા બળદને પાડી શકે તો ભર બજારમાં રાહદારીઓના પણ બળદ જીવ લઈ શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વ્યવસ્થિત કચરા ઉપાડવામાં આવે તો ઢોરોનો જમાવડો અહીં ન થાય અને પશુ માલિકો ઢોરોને બાંધીને રાખે તેવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.