લિવ-ઇન-રિલેશનનો કરુણ અંજામ:પારડીમાં વિધવા સાથે રહેતા શખસનાં કરતૂત, મહિલાની પુત્રીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું

વલસાડએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની ઓફિસમાં જઈને આપવીતી જણાવી
  • પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી

વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં એક વિધવા સાથે લિવ-ઈનમાં રહેતા એક શખસે વિધવાની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ ગુજારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતી એક પરિણીતાના પતિનું 4 વર્ષ પહેલાં બીમારીમાં અવસાન થયું હતું. મહિલા એક દીકરી અને દીકરા સાથે રહેતી હતી. પારડી GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. એ દરમિયાન લાલુ નામના યુવક (નામ બદલ્યું છે) સાથે સંપર્કમાં આવી હતી. લાલુ મહિલા અને તેનાં સંતાનો સાથે રહેતો હતો. 3 વર્ષથી મહિલા સાથે લિવ-ઈનમાં રહેતા લાલુએ જાન્યુઆરી મહિનામાં સગીરા ઘર પર એકલી હતી ત્યારે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ અંગે કોઈને કહેશે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
જાન્યુઆરી મહિનામાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ જ્યારે પણ સગીરા ઘરમાં એકલી હોય ત્યારે દુષ્કર્મ ગુજારતો. તાજેતરમાં 15મી ઓકટોબરના દિવસે રાત્રિએ સગીરા ગરબા રમી ઘરે પરત આવી રહી હતી ત્યારે લાલુ ઘરની બહાર ઊભો હતો. સગીરા આવતાં જ લાલુ તેને ઘર નજીક આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

માતાના પ્રેમીથી ત્રાસી સગીરાએ CWCનો સંપર્ક કર્યો
માતા સાથે લિવ-ઈનમાં રહેતા શખસના ત્રાસથી કંટાળેલી પીડિતાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી(CWC)નો સંપર્ક કર્યો હતો. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર ASI મંજુબેને સગીરાની આપવીતી સાંભળી હતી. ત્યાર બાદ પારડી પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવતાં પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...