મેઘમહેર:વલસાડ જિલ્લાના કપરાડામાં માત્ર 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો, મધુવન ડેમના 10 દરવાજા ખોલાયા

વલસાડએક મહિનો પહેલા
  • મધુવન ડેમની સપાટીમાં વધારો થતા ડેમની સપાટી 78.30 મીટરે પહોંચી
  • ધરમપુર તાલુકાના મોહના કૌચાલી ગામનો કોઝવે ડુબી જતા ગામ સંપર્ક વિહોળુ બન્યું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં આજે સોમવારે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના કપરાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. કપરાડામાં સારો વરસાદ થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 78.30 મીટરે પહોંચી છે. તેમજ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

મોહનાકૌચાલી ગામ સંપર્ક વિહોણું બન્યું
ધરમપુર તાલુકાના મોહનાકૌચાલી ગામનો કોઝવે ડૂબી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 15 ગામોને જોડતો કોઝવે ડૂબી જતાં ગામના લોકો સંપર્ક વિહોણા બન્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને કોઝવે ડૂબી ગયો છે.
ગામની નદી બે-કાઠે વહેતી જોવા મળી રહી છે.

ઔરંગા નદી બે-કાઠે
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાડના કારણે ઔરંગા નદી બે-કાંઠે વહી રહી છે. કૈલાશ રોડ ઉપર બ્રિજને અડીને પાણી જતું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. વલસાડ મામલતદાર, પાલિકાના CO, ઈજનેર અને PSIએ સ્થળની મુલાકાત લીધી હતી. કૈલાશ રોડ ઉપર આવેલાં ઔરંગા નદીના બ્રિજને અડીને પાણી જતું હોવાથી વહીવટી તંત્રએ સતર્કતાના ભાગ રૂપે બ્રિજ ઉપર વાહનોની અવરજવર બંધ કરી છે. વહીવટી તંત્ર દ્વારા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યાં છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય તે પહેલાં શેલ્ટર હોમમાં ખસી જવા વલસાડના ડિઝાસ્ટર મામલતદારે લોકોને અપીલ પણ કરી છે.

ડાંગર અને શેરડીના પાકને આ વરસાદથી ઘણો ફાયદો
વલસાડ જિલ્લામાં સોમવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ધરમપુરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તાલુકામાં ડાંગર અને શેરડીના પાકને આ વરસાદથી ઘણો ફાયદો થશે તેમ ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે. જિલ્લામાં પડેલા વરસાદને લઈને કપરાડા અને ધરમપુર તાલુકાની નદીમાં નવા નીરની આવક પણ થઈ છે.

નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વધુ વરસાદને કારણે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. કપરાડામાં સારો વરસાદ થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની સપાટી 78.30 મીટરે પહોંચી છે. ડેમમાંથી 64,808 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. તેમજ મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યાં છે. નદીમાં પાણીની આવક વધતા લોકોને કિનારે ન જવાની સૂચના અપાઈ છે. દમણ ગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપે
ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાને સ્વરૂપે વહી રહ્યા છે. નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા, દમણગંગા અને કોલક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. ઓરંગા નદીમાં પણ પાણી ભયજનક સપાટી નજીક પહોંચી રહ્યું હોવાથી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

કલેક્ટરે ટ્વિટ કરી સૂચના આપી
વલસાડ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને ઓરંગા નદી કિનારાના લોકોને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડનું તંત્ર સતર્ક બન્યુ છે. જોકે, અત્યારે તો જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ ગયું છે.

ખુદ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારાના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા. આથી જિલ્લામાં 12થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે વલસાડ મામલતદાર પોતે જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે તો વલસાડ અને ખેરગામને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરી દેવાયો છે.

વલસાડ ગુંદલાવ ખેરગામને જોડતો ઔરંગા બ્રિજ બંધ,પોલીસ મૂકાઇ ધરમપુરમાં ભારે વરસાદથી વલસાડથી પસાર થતી ઔરંગાનદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વધવા લાગ્યો હતો.જેના કારણે જિલ્લા પોલીસે વલસાડના ગુંદલાવ ખેરગામને જોડતો કૈલાસ રોડ સ્થિત ઔરંગાનદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.જોખમી રીતે કોઇ વાહનો પસાર ન થાય તે માટે સિટી પોલીસ મથકના પીએસઆઇ સહિત પોલીસ મૂકી ી દીધી હતી.જેને લઇ વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો.

વલસાડ ઔરંગા ઓવારે પાલિકાનું ગણેશ મંડપ ડૂબ્યું, પોલીસ તૈનાત
હાલે ચાલી રહેલા ગણેશોત્સવને લઇ વલસાડની ઔરંગા નદીના ઓવારે નગરપાલિકા દ્વારા પૂજા અર્ચના અને જરૂરી સૂચના જારી કરવા માટે તૈયાર કરાયેલો મંડપ ઘોડાપૂરને લઇ ચારે તરફના પાણીના કારણે ડુબી ગયું હતું. નદીના પાણીની સપાટી વધવા સાથે ભારે પ્રવાહ વચ્ચે ગણપતિ વિસર્જન માટે કોઇ ન આવે તે માટે પોલીસની 3 જીપ ગોઠવાઇ ગઇ હતી.

27 કોઝવે ઓવરટોપિંગ થતાં કલેક્ટરે રસ્તા બંધ કરવા 2વાર ટ્વીટ કર્યું
​​​​​​​વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી માઠી અસર પહોંચી હતી.જિલ્લાના 42 રસ્તા બંધ કરવાની નોબત આવી હતી.કપરાડાના ઉંડાણના વિસ્તારોમાં 27 કોઝવે પણ ઓવરટોપિંગના કારણે વરસાદી પાણી ફરી વળતાં કલેકટરે 2 વાર ટ્વિટ કરી રસ્તાઓ બંધ કરી દેવાની જાણકારી પૂરી પાડી હતી.

ધરમપુર તાલુકો : પાંડવખડક, ચીકારપાડા રોડ } વાસંદા જંગલ મૂળગામ } એપ્રોચ રોડ } ફુલવાડી એપ્રોચ રોડ } તુતરખેડ કોસબાડી ભવથાણ જંગલરોડ } બામટી શીશવાડા રોડ } ભવથાણ આંબોસી રોડ જોઇનિંગ આવાસ બિલ્ધા રોડ
પારડી તાલુકો : રોહિણા બરઇ સાદડવેરી } સુખાલા રોડ } ઘગડમાળ અરનાલા પાટી રોડ
વલસાડ તાલુકો: દાંડીવલ્લી ઓઝર કાકડમટી રોડ } સારંગપુર એપ્રોચ રોડ } વલસાડ ધરમપુર મુખ્ય રોડથી ભોમાપારડીથી ઔરંગાનદીને જોડતો રોડ } વાઘલધરા રિવર બેંકથી જેસિયા રોડ
કપરાડા તાલુકામાં : કોઝવેના 24 રસ્તા પર પાણી ફરી વળ્યા
} ધરમપુર - માકડબન - ધામણી - ટોકરપાડારોડ, સેક્શન } ધામણી - મેણઘાથી
ટોકરપાડા રોડ } અરણાઇ કુંડા ધામણી રોડ } દહીખેડ બુરવડ રોડ } લવકર વરવઠ ખડકવાલ રોડ } ચાવશાળા નાંદગામ માતુનિયા રોડ } માની મૂળગામ રોડ } ગીરનારા નિલુંગી રોડ } ઓઝર વિલેજ રોડ } વારધા મનાલા સિલ્ધા રોડ } ઘોટણ રાહોર પીપરોટી રોડ } કેતકી કાસ્ટોનિયા રોડ } વારણા અંધારપાડા રોડ } મેણધા નાંદગામ } વડોલી મંજરૂ ફળિયા રોડ } અંભેટી ખરેડા ફળિયા રોડ } ટુકવાડા ધાડવી ઉમરપાડા કુંભસેત રોડ } ધણાવેરી અસલકાટી સુલિયા રોડ } બિલોનિયા એપ્રોચર રોડ } ઓઝર રાય ફળિયા રોડ } જીરવલ મુખ્ય રસ્તા પ્રા.શાળા થઇ આદિમજૂથ દાનહને જોડતો રોડ } ઉલસપિંડી નાની કોસબાડી રોડ, હેદરી એપ્રોચ રોડ

ઉમરગામ તાલુકો: } મોહનગામ દમણ રોડથી પાલિયાધુુયા રોડ }અંકલાસ વડીપાડા રોડ પરથી પાણી ફરી વળતા બંધ કરી દેવાની નોબત આવી હતી. આ ગામડાં દરિયા કાંઠાના લાગુ હોવાથી ભરતીની પણ અસર વર્તાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...