તંત્રમાં ખળભળાટ:6 દિ’માં 3 વિદ્યાર્થી સહિત 85 કોરોના કેસ વધતા DDOનું અધિકારીને તેડૂં

વલસાડ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળકોનાં વેક્સિનેશન માટે આચાર્યો સાથે વીડિયો કોન્ફરન્સ
 • રજાના ​​​​​​​દિવસે વર્ચ્યુઅલ બેઠક મળી, સંક્રમણ રોકવા ગાઇડલાઇન પર ભાર

વલસાડ જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં પ્રતિદિન સરેરાશ 11 કેસ સાથે 3 વિદ્યાર્થી સહિત 85 જેટલા રોકેટ ગતિએ કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં ભારે ખળભળાટ સર્જાયો છે.જિલ્લામાં 15-18 વયજૂથના બાળકોના વેક્સિનેશન માટે આચાર્યો સાથે બેઠકો બોલાવી હતી.

ડિસેમ્બરના છેલ્લા 4 દિવસ અને 2022ના પ્રથમ દિન સહિત 6 દિવસમાં જ 85 કેસ નોંધાતાં સંક્રમણને રોકવા માટે વધુ સતર્ક થવાની નોબત આવી છે. બીજી લહેર બાદનો કોરોના કેસનો સૌથી મોટો આંકડો છે. ડીડીઓ મનિષ ગુરવાનીએ તાત્કાલિક સીડીએચઓ ડો.અનિલ પટેલ, એપેડેમિક ઓફિસર ડો.મનોજ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરો સાથે રવિવારે રજા હોવા છતાં વર્ચ્યુઅલ મીટિંગ લઇ હાલની પરિસ્થિતિમાં કોવિડની ગંભીરતા અંગે પરામર્શ કર્યો હતો.

આચાર્યોએ વાલીઓને માર્ગદર્શન-રજિસ્ટ્રેશન માટે બોલાવ્યા
જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, આઈટીઆઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓને વેક્‍સીનેશન સંદર્ભે ડીઇઓ કે.એફ.વસાવા, સીડીએચઓ ડૉ.અનિલ પટેલ અને આરસીએચઓ ડો.એ.કે.સિંઘ દ્વારા શાળાના તમામ આચાર્યો સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી બાળકો,વાલીઓને જાગૃત્ત કરવા, આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્‍ફરન્‍સ બાદ શાળા અને કોલેજ કક્ષાએ આચાર્યોએ બાળકોના વાલીઓ સાથે બેઠકનું આયોજન કરી વેક્સિનેશન અંગે જરૂરી સમજ આપી છે.

રસીકરણ પૂર્ણ કરવા તાકીદ કરાઇ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા 58217 છે. વલસાડના 13083, પારડી 6583, વાપી 14782, ઉમરગામ 7812, ધરમપુર 4772 ઉપરાંત કોલેજના 4772 અને આઇટીઆઇના 1122 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તમામ વિદ્યાર્થીઓનું વેક્‍સિનેશન આરોગ્‍ય વિભાગ દ્વારા શાળામાં જ કરવામાં આવશે, જેથી શાળા, કૉલેજ, આઈ.ટી.આઈ. અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓના આચાર્યો 1થી 3 તારીખ સુધીના સમયગાળામાં જે સંસ્‍થાઓએ વેક્‍સીનેશન માટે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું નથી, તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ અને મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીની કચેરીનો અચૂક સંપર્ક કરવો.> કે.એફ.વસાવા,ડીઇઓ

બાળકોના વેક્સિનેશનની ગાઇડલાઇન

 • 31 ડિસેમ્બર 2007 પહેલાં જન્મેલ તમામ બાળકો વેક્સિન લઈ શકશે
 • કોવિન સોફટવેરમાં બાળકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશનમાં બાળકોએ પોતાનો અથવા વાલીનો મોબાઇલ નંબર આપવાનો રહેશે.
 • એક મોબાઇલ નંબર દીઠ 4 લાભાર્થીનું રજીસ્ટ્રેશન થઈ શકશે.
 • લાભાર્થીએ પ્રથમ ડોઝના વેક્સિનેશન માટે જે મોબાઈલનો ઉપયોગ કરેલ હશે, તે જ મોબાઇલ નંબરનો ઉપયોગ બીજા ડોઝના વેક્સિનેશન માટે કરવાનો રહેશે
 • રજિસ્ટર કરેલ મોબાઇલ નંબર પર લિંક મારફત વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવી શકાશે.
 • શાળામાં વેકસિનેશન સમયે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
 • બાળકોનું આઈડી પ્રૂફમાં સરકાર માન્ય કોઈપણ આઇડી, આધારકાર્ડ અને જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર અથવા લીવિંગસર્ટી વેક્સીનેશન રજિસ્ટ્રેશન વખતે સાથે લાવવાનું રહેશે.
 • ​​​​​​​વિદ્યાર્થીને મેડિકલ પ્રોબ્લેમ કે દવા ચાલુ હોય તેમણે પોતાના ડૉક્ટર કે આરોગ્ય કેન્દ્રની સલાહ લેવી.
અન્ય સમાચારો પણ છે...