વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલની સ્ક્રેપના વેપારી પાસે ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. દમણમાં સ્ક્રેપના વેપારીને સતત ધમકીઓ મળતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ભાજપના નેતા અને તેના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
દમણમાં પાર્ટનરશીપમાં સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી કે, તેમને દમણમાં સ્ક્રેપનો વેપાર કરવો હોય તો પૈસા આપવા માટે સતત ધમકીઓ મળી રહી છે. વેપારી દ્વારા ભાજપના નેતા અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પુરાવાઓ મળતા પોલીસે નવીન પટેલ અને અશોક પટેલની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે, બંને ભાઈઓ અન્ય એક વ્યકિતની મદદથી વેપારી પાસેથી ધંધો કરવો હોય તો પૈસાની માગણી કરતા હતા.
વધુ કોઈ ભોગ બન્યા હશે તો તેની પણ તપાસ થશેઃ પોલીસ
નવીન પટેલ અને અશોક પટેલની ખંડણી મામલે ધરપકડ કરાયા બાદ પોલીસે કહ્યું હતું કે, હાલ તો એક જ વ્યકિત દ્વારા આ પ્રકારની ખંડણી માગવાની ફરિયાદ કરવામાં આવી છે. જો આ પ્રકારના અન્ય કોઈ લોકો હશે તો તેની પણ તપાસ કરીશું.
કોણ છે નવીન પટેલ?
દમણ જિલ્લા પંચાયતની દલવાળા બેઠક પરથી નવીન પટેલ ભાજપમાંથી બે ટર્મથી જીતતા આવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમની આ પ્રથમ ટર્મ છે. નવીન પટેલ ભૂતકાળમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.