યુક્રેન-રશિયા યુદ્ધની ગુજરાતમાં અસર:જો યુદ્ધ લાંબુ ચાલે તો વાપીના ઉદ્યોગકારોની મુશ્કેલી વધી શકે છે, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ખોરવાઈ જવાની દહેશત

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ વેઠી ચૂકેલા વાપી ઔદ્યોગિક વસાહત સહિતની દેશની અન્ય ઔદ્યોગિક વસાહતોમાં રશિયા-યુક્રેન યુદ્ધથી ફરી સંકટના વાદળો ઘેરાયા છે. ક્રૂડ ઓઇલ અને અન્ય કેટલાક સ્પેશ્યાલિટી કેમિકલનું રો-મટિરિયલ રશિયા અને યુક્રેનથી ભારતમાં આવે છે. જે મોંઘા થવા સાથે તેની શોર્ટ સપ્લાય ઉભી થઇ શકે તેવી દહેશત ઉદ્યોગકારોમાં પ્રવર્તી રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે 24મી ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધથી યુક્રેનમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. રશિયા-યુક્રેન યુદ્ધની આડકતરી અસરો ભારત જેવા દેશને પણ નડી રહી છે. જો યુદ્ધ લંબાયું તો કોરોનાકાળ બાદ બેઠા થવા મથતા ભારતના અનેક ઔદ્યોગિક એકમો ફરી મંદીમાં ગરકાવ થઈ શકે છે. આ અંગે વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, યુદ્ધની શરૂઆત થતા જ તેની અસર વર્તાવી શરૂ થઈ છે. વાપી GIDC સહિત દેશના અનેક ઉદ્યોગોમાં રશિયા-યુક્રેનથી આવતું રો-મટિરિયલ અને ડાઈઝમાં વપરાતા સ્પેશ્યાલિટી કેમિકલમાં ભાવ વધારો શોર્ટ ટર્મ સપ્લાય આવી શકે છે.

દેશમાં અને ગુજરાતમાં વાપી, અંકેલશ્વર જેવી GIDCમાં અનેક કેમિકલ એકમો છે. પ્લાસ્ટિક અને સ્ટીલના એકમો છે. જેના પર આ યુદ્ધની અસર પડી શકે છે. હાલમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સરકાર વચ્ચે આ બાબતે મેસેજની આપ લે થઈ ચૂકી છે. જો કે યુદ્ધ લંબાય તો તેની અસર શિપિંગ ઇન્ડસ્ટ્રી પર પડશે. ઉદ્યોગકારો તેમના ઉદ્યોગો માટે રશિયા-યુક્રેનથી રોમટિરિયલ મંગાવી નહિ શકે. એ જ રીતે દેશના ઉદ્યોગોમાં તૈયાર થયેલ પ્રોડકટ આ દેશોમાં એક્સપોર્ટ કરી નહિ શકે.

કોરોનાકાળ બાદ હવે ધીમેધીમે દેશના ઉદ્યોગો ફરી રફતાર પકડી રહ્યા છે. ઇમ્પોર્ટસ એક્સપોર્ટની શરૂઆત થઈ છે. પરંતુ દેશના મોટાભાગના ઉદ્યોગોમાં જેની સારી એવી માંગ છે. અને આડકતરી રીતે પણ અનેક ઉદ્યોગોમાં મહત્વનું બનતું ક્રૂડ ઓઇલ આ યુદ્ધ સ્થિતિને લઈને મોંઘું થશે તો સ્પેશ્યાલિટી રોમટિરિયલ ઉપરાંત ક્રૂડ ઓઇલની અસર ડાયરેકટ કે ઇનડાયરેક્ટ દેશના મોટાભાગના ઉદ્યોગો પર થશે.

ઉલ્લેખનીય છે કે વાપી, અંકેલશ્વર જેવી દેશની અનેક GIDCમાં આવેલ કેમિકલ, પ્લાસ્ટિક, એન્જીનીરિંગ, ફાર્મા બેઝ એકમોમાં મોટાભાગનું રોમટિરિયલ વિદેશથી આયાત કરવું પડે છે. જે માટે શિપિંગ ઉદ્યોગ શરૂ રહેવો અનિવાર્ય છે. ત્યારે રશિયા યુક્રેનના યુદ્ધ બાદ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ભારત જેવા વિકસિત દેશ માટે કોરોના બાદ બીજો સૌથી મોટો મરણતોલ ફટકો સાબિત થઈ શકે છે. એટલે હાલમાં તો આ યુદ્ધ વહેલી તકે બન્ને દેશની સમજૂતી સાથે વિરામમાં પરિણમે તે જ મહત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...