વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સહયોગથી અને વલસાડ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા.12 જાન્યુઆરીના રોજ કપરાડા તાલુકા શિક્ષણ સોસાયટી હૉલ ખાતે “કિશોરી કુશળ બનો” થીમ આધારીત તાલુકા કક્ષાના “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી લઅને વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબભાઇ રાઉતની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ સાથે જ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)ની નવી કચેરીનું લોકાર્પણ પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ચૌધરીએ જણાવ્યું કે, આજની કિશોરીઓ ભારતનું ભવિષ્ય છે. કાર્યક્રમમાં હાજર કિશોરીઓને બાહ્ય પ્રલોભનથી પ્રેરાયા વિના પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ શિક્ષણ, આરોગ્ય તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કારોબારી અધ્યક્ષ ગુલાબ રાઉતે આંગણવાડીનો લાભ લેવા તેમજ કિશોરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કિશોરીઓ દ્વારા સ્વ-વિકાસની મુક્ત મને ચર્ચા કરી અન્ય કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય અને પોષણ વિશે સ્વ-જાગૃતિ કેળવવા અંગે સ્વ-અનુભવોના ઉદાહરણ દ્વારા સમજ આપવામાં આવી હતી.
જુદા જુદા વિભાગો પૈકી મહિલા અને બાળ અધિકાર વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, બાગાયત, ખેતીવાડી, બેંક, ITI, ગૃહ વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર, પોસ્ટ ઓફિસ, શ્રીમદ રાજચંદ્ર સ્કીલ ડેવલપમેન્ટ અને બાયફ સંસ્થા કપરાડા વગેરે વિભાગોના અધિકારી/કર્મચારીઓએ ઉપસ્થિત રહી કિશોરીઓને પોતાના વિભાગની સેવાઓની સમજ આપી હતી. કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી કપરાડા ઘટક- 1 રીટાબેન પટેલ દ્વારા પૂર્ણા યોજના વિશે વિસ્તૃત સમજ આપી અને કિશોરીઓને પૂર્ણા દિવસની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આઇસીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ કિશોરીઓના વજન-ઉંચાઇ, BMI, HB ની તપાસ કરાઈ હતી. આંગણવાડીમાંથી આપવામાં આવતા પૂર્ણાશક્તિના પેકેટમાંથી બની શકતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરાયુ હતુ તેમજ લાઇવ વાનગી બનાવી પૂર્ણાશક્તિના ઉપયોગ વિશે સમજ આપી હતી. તદુપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કિશોરી ચિત્રાબેન સરનાયક, શાળા પુન:પ્રવેશ મેળવેલ કિશોરી પીંકુબેન રંધે, સુપોષિત કિશોરીઓ અને સ્વ-વિકાસ અંગે વક્તવ્ય આપનાર કિશોરીઓને આમંત્રિતના હસ્તે પૂર્ણાકપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય સેવિકા નીપાબેન શાહ તેમજ લાભાર્થી કિશોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ બાળ વિકાસ યોજના અધિકારી સવિતાબેન પટેલે કરી હતી. કાર્યક્રમમાં અંદાજીત 350 લોકો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.