હોસ્પિટલના ખાટલેથી મતદાન:વલસાડ ચૂંટણી તંત્રનો માનવીય અભિગમ, હોસ્પિટલ પહોંચી પોસ્ટલ બેલેટથી વયોવૃધ્ધ દંપતી પાસે મતદાન કરાવ્યું

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં પહેલી વાર મતદાન કરનારા યુવા હૈયાઓથી માંડીને વરિષ્ઠ નાગરિકો મતદાન માટે થનગની રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા સીટ પર દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્રની ટીમ ઘરે ઘરે પહોંચી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવી રહી છે. જેમાં તા. 24 નવેમ્બરના રોજ ગુરૂવારે ટીમ વલસાડ શહેરની સર્જીકેર હોસ્પિટલમાં પહોંચી જઈ સિનિયર સિટિઝન દંપતી પાસે મતદાન કરાવ્યું હતું.

લોકશાહીને ધબકતી રાખવા માટે વધુમાં વધુ મતદાન ખૂબ જ જરૂરી હોવાથી વિધાનસભા ચૂંટણી-2022માં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે હાલમાં પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 80 વર્ષથી ઉપરના વયોવૃધ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારો ઘર બેઠા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્રની ટીમ ફોર્મ 12 ડી ભરાવી મતદાનની સમજ આપી પોસ્ટલ બેલેટના માધ્યમથી લોકશાહીના મહાપર્વમાં મતદારો સહભાગી બની રહ્યા છે.

પોસ્ટલ બેલેટના લિસ્ટ મુજબ હાલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે 179- વલસાડ વિધાનસભા મત વિસ્તારના મતદાર અને વલસાડના હાલર વશી ફળિયા ખાતે 401, મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધીનગરથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વયનિવૃત્ત થયેલા 87 વર્ષીય દિપકસિંહ ગીધુભા રાઠોડના ઘરે તા. 23-11-22ને બુધવારે બપોરે 1-30 કલાકે ચૂંટણી તંત્રના બુથ લેવલ ઓફિસર વલ્લભાઈ ભોયા પહોંચ્યા હતા પરંતુ તેઓ અમદાવાદ ગયા હોવાથી મળ્યા ન હતા, જેથી પડોશના 2 સાક્ષીની હાજરીમાં પંચક્યાસ કરી ઘરે નોટિસ લગાવી ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારે દિપકસિંહે તા.24 નવેમ્બર 2022ને ગુરૂવારે મતદાન કરીશુ એમ જણાવ્યું હતું. જેથી ગુરૂવારે સવારે 8 કલાકે BL0 તેમની ટીમ સાથે ઘરે પહોંચ્યા ત્યારે ઘર બંધ હતુ. જેથી ફરી ફોન કરતા દિપકસિંહે કહ્યું કે, હું અમદાવાદથી પરત આવી રહ્યો હતો ત્યારે ભરૂચ પાસે ચા-પાણી કરવા રોકાયા ત્યારે પડી જતા ઈજા થઈ હોવાથી હાલ વલસાડની સર્જીકેર હોસ્પિટલમાં દાખલ છું જેથી BLOની ટીમ વલ્લભભાઈએ સિટી મામલતદાર કલ્પના ચૌધરીને જાણ કરી હતી. બાદમાં

વલસાડ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી નિલેશ કુકડીયાએ માનવીય અભિગમ દાખવતા તેમના માર્ગદર્શન અને સૂચના હેઠળ ટીમ બપોરે હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં પોલીસ કર્મીની હાજરીમાં વીડિયોગ્રાફી સાથે પોસ્ટલ બેલેટથી દિપકસિંહ પાસે મતદાન કરાવ્યું હતું. આ સમયે હોસ્પિટલમાં તેમની સેવા સુશ્રુષામાં રહેલા તેમના ધર્મપત્ની અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી વયનિવૃત્ત થયેલા જયોતિબા રાઠોડ (ઉ.વ.82)એ પણ પોસ્ટલ બેલેટ વડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વેળા મતદાન ટીમના ઝોનલ ઓફિસર અલીઅસગર એ.ભીંડરવાલા, માઈક્રો ઓબ્ઝર્વર ભરત એમ. પટેલ, પ્રિસાઈડિંગ ઓફિસર સંજય એ.પટેલ, પોલિંગ ઓફિસર જગદીશ એલ. ટંડેલ, બુથ લેવલ ઓફિસર વલલ્ભ જી.ભોયે, પટાવાળા રસીક એન.પટેલ, વીડિયોગ્રાફર મનોજ ગાવિત અને પોલીસ કોન્સ્ટેબલ મિતેશ કે.પટેલે ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાનની પ્રક્રિયા સુપેરે પાર પડાવી હતી.

લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન ખૂબ જ જરૂરી
ચૂંટણી તંત્રની ટીમ હોસ્પિટલ સુધી પહોંચતા 87 વર્ષીય મતદાર દિપકસિંહે મતદારોને સંદેશ આપતા જણાવ્યું કે, લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન ખૂબ જ જરૂરી છે. હંમેશા સત્યના સિધ્ધાંત પર ચાલવુ જોઈએ અને તેને ધ્યાનમાં રાખીને મતદાન કરવુ જોઈએ. હું હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં ચૂંટણી તંત્રની ટીમ અહી સુધી આવી લોકશાહીના મહાપર્વમાં મને પણ સહભાગી બનાવ્યો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરુ છું. ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત અધિકારી દિપકસિંહ હાલમાં વકીલાત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...