વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા.
વરસાદને પગલે શહેરમાં વીજપ્રવાહ ખોરવાયો
મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ બાદ વલસાડ શહેરમાં પણ વરસાદે દસ્તક દીધી છે. શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઊઠ્યા હતા. મધ્યરાત્રિએ પડેલા વરસાદને લઈને સમગ્ર વલસાડ પંથકમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વરસાદને પગલે કાળઝાળ ગરમી સામે લોકોને જરૂર રાહત થઈ હતી. બીજી તરફ, કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લામાં મોન્સૂનની શરૂઆત
વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં મોન્સૂનની શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે. એક અઠવાડિયાથી મોન્સૂને વલસાડ જિલ્લામાં દસ્તક દીધી હોવાનું વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે જણાવ્યું છે.
વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈ વલસાડ શહેરના રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું હતું તેમજ શહેરના અનેક રેલવે ગળનાળામાં પણ પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકોને મુશ્કેલી પણ પડી હતી.
કેરીના પાકમાં નુકસાન
વલસાડ જિલ્લામાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક ખરી ગયો હતો. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈ સરકાર સહાય આપે તેવી ખેડૂતોએ માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.