તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Heavy Rain In Umargam, 7 Inches In 2 Hours, Total 9 Inches Torrential Rain, 1 To 10 Inches Rain In 8 Districts Of Saurashtra

મેઘ તાંડવ:ઉમરગામમાં આભ ફાટ્યું,2 કલાકમાં 7 ઇંચ, કુલ 9 ઇંચ મુશળધાર વરસાદ, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 1થી 10 ઇંચ સુધીનો વરસાદ

વલસાડ/જૂનાગઢ/જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં મહાદેવ પણ પાણીમાં. - Divya Bhaskar
વેરાવળમાં મહાદેવ પણ પાણીમાં.
  • ઉમરગામમાં ઠેર ઠેર ઘરોમાં પાણી ભરાયા,જનજીવન ઠપ થઈ ગયું
  • જૂનાગઢ-સોમનાથ હાઇવે ઉપર 3 ફુટ સુધીના પાણીથી જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદનો દોર ચાલુ થયો છે. સૌરાષ્ટ્રમાં 1થી 10 ઇંચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આભ ફાટયું હોય તેમ સોમવારે સાંજે 6 થી 8 વાગ્યાના 2 કલાકમાં જ 7 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ઝિંકાતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. દિવસ દરમિયાન ઉમરગામ તાલુકામાં કુલ 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ઉમરગામ નેશનલ હાઇવે ઉપર 3 ફૂટ પાણીનો ભરાવો થતાં ટ્રાફિકને ભારે અસર પહોંચી હતી. ગીર- સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદ પગલે વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ પાણીમાં ગરક થઇ ગયા હતાં. ભાલકા નદીમાં પુર આવતા પુરના પાણી સોસાયટી અને મકાનોમાં ધુસી ગયા હતાં.વરસાદને પગલે વેરાવળ શહેરનાં જનજીવન પર ભારે અસર પહોંચી હતી. કોડીનારમાં પણ 12 કલાકમાં 3.5 ઇંચ જેવો વરસાદ પડી જતાં શહેરના માર્ગો પર પાણી ભરાયા હતાં.

સુત્રાપાડામાં સોમવાર રાત્રીના 2 વાગ્યાથી મંગળવારના સાંજના 4 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ પડી જતાં ખેડૂતોના મોલને પણ જીવંતદાન મળી ગયુ છે. માંગરોળમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ પડી જતાં માંગરોળથી લંબોરા, વિરપુર, ચોટીલીવીડી, શેખપુર, સકરાણા, જુથળ સહિતના ગામોને જોડતા રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.માણાવદરમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર જીલ્લામાં આજે બપોરબાદ વાતાવરણ એકાએક પલ્ટો આવતા કુતિયાણામાં 4 કલાકમાં 4 ઈંચ અને માધવપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. અમરેલી જિલ્લામાં 1 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે તળાજામાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

જામનગર અને દેવભુમિ દ્વારકામાં મંગળવારે બપોર બાદ ઠેર ઠેર વરસાદી માહોલ વચ્ચે ભાણવડમાં બે કલાકમાં જ વધુ સવા પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થયુ હતુ.જયારે નદી નાળા પણ છલકાયા હતા.જયારે કાલાવડ અને ધ્રોલમાં હળવા ઝાપટા વરસ્યા હતા.હાલારના સાત તાલુકા સાંજ સુધી કોરાધાકોડ રહ્યા હતા.

રાજકોટ જિલ્લામાં પણ મંગળવારે બપોર સુધી બફારા અને ગરમીએ ભારે અકળાવ્યા બાદ મેઘો મંડાયો હતો અને આટકોટ, જસદણ, ધોરાજી, કોટડાસાંગાણી અને ભાયાવદરમાં અડધાથી 3 ઇંચ પાણી વરસાવી દેતાં વાતાવરણ ઠંડુ બન્યું હતું. મોરબી પંથકમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

હાઈવે પરના ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરાયો
ભારે વરસાદના પગલે નેશનલ હાઇવેની એક સાઇડ બંધ કરી દેવામાં આવી હતી અને પાણી ભરાઇ જતાં હાઇવે પરના ડિવાઇડરને તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ જ રીતે વેરાવળથી તાલાલા હાઇવે ઉપર પણ પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા
બુધવારથી બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે અપરએર સરક્યુલેશન સક્રિય થઈ છે. તેમજ લો પ્રેશરની સાથે એર સરક્યુલેશન પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. તદઉપરાંત આગામી અરબ સાગરમાં દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનતા તા. 6 સુધીમાં મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તા. 5 અને 6 ઓગસ્ટની આસપાસ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં તા 6/7માં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે.

ક્યાં કેટલો વરસાદ

સુત્રાપાડા10 ઇંચ
ઉમરગામ9 ઇંચ
ભાણવડ7 ઇંચ
વેરાવળ5.5 ઇંચ
ખાંભા5 ઇંચ
માંગરોળ5 ઇંચ
બગસરા4.7 ઇંચ
સાવરકુંડલા4 ઇંચ
કુતિયાણા4 ઇંચ
જાફરાબાદ4 ઇંચ
મોરબી3 ઇંચ​​​​​
અન્ય સમાચારો પણ છે...