• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Happiness Returned To The Lives Of More Than 17 Thousand Women In Valsad District In The Face Of Domestic Violence And Hardship

181ની ટીમની સરાહનીય કામગીરી:વલસાડ જિલ્લામાં ઘરેલુ હિંસા અને મુશ્કેલીની સ્થિતિમાં 17 હજારથી વધુ મહિલાના જીવનમાં ખુશી પરત ફરી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

“ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ” એવી કહેવત દાયકાઓથી સમાજમાં ચાલી આવી છે, ઘરમાં તેમજ કામકાજના સ્થળે મહિલા પર થતા અત્યાચારો અને હિંસાની વાત જગજાહેર થઈ જાય તો ઘણીવાર ઘર સંસાર તૂટતા વાર નથી લાગતી. આવી નાજુક ક્ષણે મહિલાનો ઘર સંસાર ન ભાંગે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સલામતી, સુરક્ષા, ગોપનીયતા અને માન –સન્માન પણ જળવાય રહે તે માટે મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં અમલમાં મુકેલી 181 અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્રો) આજના સમયમાં મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. કટોકટીના પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલીની સ્થિતિમાં ગુજરાત સરકારની આ ત્રણેય સેવા મહિલા સાથે સ્વજનની જેમ પડખે ઉભી રહે છે. તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે મહિલાની સુરક્ષા, સલામતી અને સન્માનની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ ત્રણેય સેવાએ વલસાડ જિલ્લાની 17,743થી વધુ મહિલાઓની વ્હારે આવી તેમના દુઃખમાં સહભાગી બની તેમને જીવન જીવવા માટે નવી પ્રેરણા આપી છે. જેને પગલે મહિલાઓમાં આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

“હે નારી... ના હારીશ, ના મૂંઝાઈશ, ગુજરાત સરકાર છે તારી વ્હારે” આ માત્ર નારો નથી પણ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ નિર્ણયોનું પ્રતિબિંબ છે. સાથે જ મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બને તે માટે હંમેશા ચિંતિત ગુજરાત સરકાર દ્વારા લેવાતા દરેક પગલાએ ગુજરાતને મહિલાઓ માટે આદર્શ રાજ્ય બનાવ્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ઉપરોક્ત ત્રણેય સેવાએ મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. જેને પગલે સંકટની ઘડીમાં મહિલાઓના જીવનમાં નવી આશા જન્મી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, અને EMRI GHS દ્વારા સંકલિત “181 અભયમ મહિલા હેલ્પલાઈન”એ વલસાડ જિલ્લામાં માત્ર 8 વર્ષમાં મહિલાઓ સાથે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટનામાં 15,978થી વધુ મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, તાત્કાલિક બચાવ અને માર્ગદર્શન પુરું પાડયું છે. 24 કલાક કાર્યરત 181 અભયમ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર રેસક્યુ વાન સાથે તુરંત પહોંચી જઇ વલસાડ જિલ્લામાં 3,798 મહિલાને મદદ પુરી પાડી છે.

હિંસાથી પીડિત મહિલાઓને ભયમુક્ત કરી તેઓનું આત્મસન્માન જળવાય રહે તે માટે તમામ પ્રકારની જરૂરી સેવા જેવી કે, તબીબી સહાય, કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સહાય, સામાજિક પરામર્શ અને હંગામી આશ્રયની મદદ એક જ છત નીચે મળી રહે તે માટે ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અમલમાં મુકાયું છે. વલસાડમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત ટ્રોમા સેન્ટરમાં કાર્યરત આ સેન્ટર દ્વારા વર્ષ જાન્યુઆરી ૨૦૧૯થી ફેબ્રુઆરી 2023 સુધીમાં જિલ્લાની 789 મહિલાઓને ઘરેલુ તેમજ જાતિય હિંસા સહિતના કેસોમાં મદદ પુરી પાડી છે.

મહિલાઓના આત્મરક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની યોજના અમલમાં મુકાય છે. જેમાં નારીવાદી અભિગમ સાથે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને દરમિયાનગીરી કરી પારિવારિક હિંસા, જાતિગત ભેદભાવ, સામાજિક અસમાનતા અને અન્ય સમસ્યાથી પીડિત મહિલાની જરૂરીયાત અને ઈચ્છાને પ્રાધાન્ય આપી આત્મવિશ્વાસનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘરની વાત ઘરમાં જ રહે તેવા હેતુ સાથે મહિલાના કેસની સંપૂર્ણ માહિતી ગોપનીય, વિશ્વસનીયતા અને તટસ્થ અભિગમ સાથે રાખવામાં આવે છે. વલસાડ પોલીસ અધિક્ષકની કચેરી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર્યરત આ સેન્ટરો દ્વારા વર્ષ 2017- 18થી જાન્યુઆરી 2023 સુધીમાં જિલ્લાની 976 વ્યથિત મહિલાઓના દુઃખમાં ભાગીદાર બની તેઓના જીવનમાં ખુશીઓ પરત લાવી સમાજમાં અને પરિવારમાં સન્માનજનક જીવન પુરૂ પાડી સેવાની મહેક પ્રસરાવી છે.

મુશ્કેલીની સ્થિતિમાં મહિલાઓ માટે સંકટમોચન બનતી 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન
મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરી 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કર્યા બાદ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઈનની મદદ મેળવી શકાય છે. મોબાઈલ જોરથી હલાવતા પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે છે. મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો તેનુ ચોક્કસ સ્થળ ગુગલ મેપમાં મળી જશે. એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં રહેલી મહિલાના પાંચ સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક એસ.એમ.એસ.થી સંદેશ મળી જશે. એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ (1) કોલનું સ્થળ, (2) ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે નોંધાયેલુ એડ્રેસ અને (3) એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલું સરનામુ એક સાથે હેલ્પલાઈન સેન્ટરમાં મળી જશે. મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો એપ દ્વારા અપલોડ કરી પુરાવા તરીકે હેલ્પલાઈન સેન્ટરમાં મોકલી શકશે.

અન્ય સમાચારો પણ છે...