વલસાડના ગુંદલાવમાં આવેલી એક ફેક્ટરીના કામદારને રિક્ષાચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજા પામેલા કામદારનું સારવાર દરમિયાન સુરતની કિરણ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.આ મામલે કંપનીના સુપરવાઇઝરે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.
વલસાડના ગુંદલાવ ખાતે સાઇનગર ગીતા રાજેશ શર્માના મકાનમાં રહેતા અને મૂળ,રહે.જોનપુર, ધરમપુર,ગોપાલપુર,યુપીના દિનેશ રામધની પટેલ ગુંદલાવ જીઆઇડીસીમાં આવેલી શક્તિ ટેક્ષ કોટ્સ પ્રા.લિ.કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો.મંગવારે સવારે તે નોકરીએ ગયા બાદ ઓવરટાઇમ કરવાનું હોવાથી રાત્રે સાડા આઠના સુમારે તે તેના રૂમ ઉપર જમવા માટે સાઇકલ લઇને નિકળ્યો હતો. દરમિયાન ગુંદલાવ ક્રિષ્નાકોમ્પલેક્ષ ટેમ્પો સ્ટેન્ડ પાસે રોડ પર પસાર થતી વેળા પૂર ઝડપે ધસી આવેલી એક રિક્ષાની અડફેટે જોરદાર ટક્કર લાગતાં દિનેશ રામધની પટેલને માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
આ અંગે કંપનીના સુપરવાઇઝર ભૌમિક દશરથભાઇ પટેલને જાણ થતાં તેઓ કંપનીના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જ્યાં ઇજાગ્રસ્ત દિનેશભાઇને જોતાં 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલ વલસાડ લઇ જવાયા બાદ સીટી સ્કેન કરાવ્યા બાદ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં બુધવારે મળસ્કે સારવાર દરમિયાન દિનેશ રામધની પટેલનું મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.