સરપંચ બનવા ખેલાશે જંગ:વલસાડ જિલ્લાના 334 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગ્યા, 19 ડિસેમ્બરના રોજ યોજાશે ચૂંટણી

વલસાડ6 દિવસ પહેલા
તસવીર પ્રતિકાત્મક છે
  • 3 હજાર 1 બેઠકો માટે 1 હજાર 19 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે
  • જિલ્લાના 8 લાખ 52 હજાર 575 મતદારો સરપંચ અને સભ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે
  • બેલેટપેપર દ્વારા મતદાન યોજાશે, 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

વલસાડ જિલ્લામાં આવેલા 467 ગામો પૈકી 334 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે 22 નવેમ્બરના રોજ કરી હતી, જે આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. જેના અંતર્ગત સરપંચની બેઠક માટે 327 ગામો, 3 હજાર 1 બેઠકો અને 1 હજાર 19 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે. જેના માટે પાંચ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ ચૂંટણીના પગલે 6 હજાર 68 પોલીસ સ્ટાફ અને 2 હજાર 56 પોલીસ જવાનોની ફાળવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લાની સામાન્ય ચૂંટણીમાં 8 લાખ 52 હજાર 575 મતદારો પૈકી 4 લાખ 28 હજાર 539 પુરુષ મતદારો અને 4 લાખ 13 હજાર 711 સ્ત્રી મતદારો તેમના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ અને સભ્યોને મતદાન કરી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.

ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. ગયા સોમવારે રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બરમાં રાજ્યની 10 હજાર 879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જેમાંથી વલસાડ જિલ્લાના 467 ગામડાઓ પૈકી 334 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. જિલ્લાના 467 ગામોમાંથી 334 ગામોની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી.

જિલ્લાના 334 ગામોમાં 4 લાખ 28 હજાર 539 પુરુષ મતદારો અને 4 લાખ 13 હજાર 711 સ્ત્રી મતદારો નિર્ભય રહી મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે આ ચૂંટણી માટે બેલેટપેપર દ્વારા મતદાન યોજવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...