પ્રોડક્ટ પ્રદર્શન:દમણમાં આયોજિત ઉન્નતિ ઈન્ડસ્ટ્રીયલ એક્સપોને સારો પ્રતિસાદ, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક, સ્ટેશનરી, ઈન્ડસ્ટ્રીયલ, ઇલેક્ટ્રોનિકસ સહિતની ચીજવસ્તીઓનું પ્રદર્શન લોકોએ નિહાળી ખરીદી કરી
  • 3 દિવસથી અહીં સ્ટોલમાં વિવિધ કંપનીની 200થી વધુ પ્રોડક્ટ રાખવામાં આવી છે

મોટી દમણમાં લાઈટ હાઉસ નજીક રામ સેતુ બીચ પર વિશાળ ડોમ તૈયાર કરી 16 મી મેં સુધી આયોજિત ઉન્નતિ DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં કાર્યરત ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટ પ્રદર્શન કમ વેંચાણ માટે મૂકી છે. રવિવારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને દાદરા નગર હવેલી દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે આ એક્સપોને ખુલ્લો મુકાયો હતો. આ એક્સપોને મુલાકાતીઓ ખૂબ જ સારો પ્રતિસાદ આપી અહીં પ્રદર્શન કમ વેંચાણ માટે મુકેલી વિવિધ પ્લાસ્ટિક, સ્ટેશનરી, ઇન્ડસ્ટ્રીયલ, ઇલેક્ટ્રોનિકસ સહિતની ચીજવસ્તીઓનું પ્રદર્શન નિહાળી ખરીદી કરી રહ્યા છે.

ઉન્નતિ DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD માં મુલાકાતીઓની ભીડ ઉમટી છે. ત્યારે અહીં સ્ટોલ બુક કરી પોતાની વિવિધ પ્રોડક્ટને સ્થાનિક ઉદ્યોગકારોએ પ્રદર્શન કમ વેંચાણમાં મૂકી છે. દમણ પ્લાસ્ટિક ચીજવસ્તુઓ બનાવતા વિવિધ એકમો માટે જાણીતું છે. ત્યારે અત્યાર સુધી દેશ-વિદેશમાં મોલ અને મોટી દુકાનોમાં પ્લાસ્ટિકની વિવિધ ચીજ વસ્તુઓનો સપ્લાય કરતા જોયો, સેલો, નિલકમલ જેવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની આઈટમ અહીં પ્રદર્શન કમ વેંચાણ માં મૂકી છે.

મુલાકાતીઓના પ્રતિસાદ અંગે જોયો પ્લાસ્ટિકના ગજેન્દ્ર ચારણે જણાવ્યું હતું કે, 3 દિવસથી અહીં સ્ટોલમાં કંપનીની 200થી વધુ પ્રોડક્ટ રાખી છે. બાથરૂમ સેટથી ડિનર સેટ સુધીની તમામ આઈટમ લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે. જોયો કંપની દમણમાં જ પ્લાસ્ટિકની તમામ આઈટમ તૈયાર કરી દેશ-વિદેશમાં શોપિંગ મોલ, દુકાનોમાં સપ્લાય કરે છે.

ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન કમ સેલમાં સંઘપ્રદેશમાં જ બનતી ગારમેન્ટ પ્રોડકટ પણ વેંચાણ કમ પ્રદર્શનમાં મૂકી છે. જેમાં ફેબ્રિક કાપડની અનેક ડિઝાઇન અહીં તૈયાર થાય છે. જેના વેંચાણમાં પણ ગ્રાહકોએ મુલાકાત દરમ્યાન સારો પ્રતિસાદ આપ્યો છે. ઉન્નતિ DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD મોટી દમણમાં દરિયા કિનારે જ હોય દમણના પ્રવાસે આવતા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે અને દમણના પ્રવાસ સાથે ઘર માટે ઉપયોગી ચીજવસ્તુઓ પણ ખરીદી રહ્યા છે. જે પ્રવાસીઓએ અત્યાર સુધી આવી ચીજવસ્તુઓ અમદાવાદ જેવા શહેરોમાં ખરીદી કરતા હતા તેઓને પહેલીવાર એ પણ જાણવા મળ્યું કે, તે તમામ ચીજવસ્તુઓ અહીં દમણમાં બને છે અને એક્ઝિબિશનમાં ખૂબ જ સસ્તા દરે મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉન્નતિ DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD એક્ઝિબિશનમાં સંઘપ્રદેશ માં જ આવેલા પ્લાસ્ટિક, ગારમેન્ટ, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જીનીયરીંગ એકમો દ્વારા તૈયાર થતી પ્રોડક્ટના સ્ટોલ છે. દોરા-ધાગા-કાપડ, ખુરશી, પ્લાસ્ટિકની અનેક ઘરેલુ ચીજવસ્તુઓ, બાળકો માટે સ્ટેશનરી, સાજ શણગારની ચીજવસ્તુઓ, બાથરૂમ ક્લીનર્સ વગેરે અનેક પ્રકારની ચીજવસ્તુઓ અહીં સંઘપ્રદેશ દમણમાં જ બને છે જેની જાણકારી સાથે સસ્તા દરે તેની ખરીદી કરી મુલાકાતીઓ એક્ઝિબિશનનો આનંદ ઉઠાવી રહ્યા છે. સારા પ્રતિસાદને કારણે સ્ટોલ ધારક ઉદ્યોગકારોમાં પણ અનેકગણો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...