વલસાડમાં હાલર રોડ ઉપર કેબિનો અને લારીઓના દબાણો દૂર કરવા પોલીસ અને પાલિકાની ટીમ ઉતરી હતી.જેમાં તિથલ ચાર રસ્તા પાસે પોસ્ટ ઓફિસ નજીક મેઇન રોડને લાગૂ 3 કેબિનો ટ્રાફિકને નડતર રહેતાં પાલિકાએ કબજે કરી હતી.આ સાથે સર્કિટ હાઉસ પાસે રોડની બાજૂમાં લારીઓનું દબાણ દૂર કરી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ પેસી ગયો હતો. વલસાડ શહેરના મુખ્ય રોડ ગણાતા તિથલ રોડ ચાર રસ્તાથી પસાર થતાં હાલર રોડ ઉપર અને સર્કિટ હાઉસ પાસે જ્યુસની લારીઓ,કોલાઓના દબાણને લઇ ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન ઉભો થયો હતો.
આ મામલે પાલિકા સભ્ય નિતેશ વશીએ ચીફ ઓફિસરને રજૂઆતો કરી ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર લારી કેબિનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે અને ઘણી વાર અકસ્માતની પણ શક્યતા રહે છે તેવી રજૂઆત કરી દબાણો હટાવવા માગ કરી હતી.પાલિકા ચીફ ઓફિસરે આ બાબતે બાંધકામ વિભાગને સૂચના આપતા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેકટર મહેશ ચૌહાણ તેમની ટીમ સાથે હાલર રોડ પોસ્ટ ઓફિસ સામે રોડને લાગૂ 3 જેટલી કેબિનો કબજે કરી હતી.બાદમાં સર્કિટ હાઉસ રોડ પાસે જ્યુસ અને કોલા વિગેરે 10 જેટલી લારીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.