ઉજવણી:વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSME) દેશની કરોડરજ્જુ સમાન છેઃ નાણામંત્રીશ્રી કનુભાઈ

બેંક ઓફ ઇન્ડિયાના 117માં સ્થાપના દિવસના અનુસંધાને બેંકની વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાખાએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રને ઐતિહાસિક સમર્થન આપવા માટે કસ્ટમર આઉટરીચ કાર્યક્રમ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય MSME ના વિકાસ, વિસ્તરણ અને એને લગતી સુવિધા વધારવાનો છે.

મંત્રી કનુભાઈ દેસાઈએ MSME ને દેશની કરોડરજ્જુ સમાન ગણાવી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મેઇક ઇન ઇન્ડિયાનું વિઝન MSME ના વિકાસ વગર સાકાર થાય એ શક્ય જ નથી. દેશના વિકાસમાં MSME ક્ષેત્રનો સિંહ ફાળો છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે બેંક ઓફ ઈન્ડિયાના MSME ના ખાતાધારકોને સેક્શન લેટર આપ્યા હતા અને તેમની પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી.

બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજર અજય કડુએ બેંક ઓફ ઇન્ડિયાની વિવિધ યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું કે, બેંક દેશનું અને વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં બેંકના 60 થી વધુ ઉદ્યોગપતિઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાજર રહેલા ઉદ્યોગપતિઓએ પણ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અપાયેલા સહકારની સરાહના કરી હતી. અને તે માટે બેંકનો અને ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સમાપન બેંકના સુરત સ્થિત SMECC ના અધ્યક્ષ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર આશિષ ઝાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...