તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વનું સૌથી મોટુ મિયાવાકી વન:વલસાડના નારગોલ પાસે જાપાનની પદ્ધતિથી વન નિર્માણનું કામ પૂર્ણ, 27 દિવસમાં સવા લાખ વૃક્ષોનું વાવેતર કરાયું

વલસાડ5 દિવસ પહેલા
  • દરિયા કિનારાને અડીને આવેલા સૌ પ્રથમ મિયાવાકી વનનું નારગોલમાં નિર્માણ કરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયાકિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં માત્ર 27 દિવસમાં જ 1 લાખ 20 હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણની કામગીરી પૂર્ણ કરાતા સમગ્ર બીચની રૂપ રેખામાં નવું પિંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

વેરાન જમીનમાં વનનું નિર્માણ કરાયું
ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતની બોડીની દીર્ઘદ્રષ્ટિના કારણે જે સ્થળે ખારા પાણીના કારણે વિલાયતી બાવળો સિવાય એક તણખલું ઉગતું ન હતું એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવો સ્થાપિત કરી નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરી સીંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60 થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપણ કાર્ય કરી સમાજમાં એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેંદ્ર બનશે વન
આ કાર્યને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. જીવનમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “GREEN HERO OF INDIA” તરીકે પ્રચલિત બન્યા છે ત્યારે નારગોલ ગામે તેમના નેતૃત્વમાં નિર્માણ પામેલ આ પ્રોજેકટ દરિયા કિનારાને અડીને બનેલ હોવાથી નારગોલ ગામે આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબિત થવાનું છે. નારગોલ ગામે આવેલ આ માલવણ બીચ ખાતે વર્ષમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓની હાજરી જોવા મળે છે હાલે આ જંગલ નિર્માણ થવાથી સેકડો પ્રકારના પક્ષીઓનો કલરવ હવે માલવણ બીચ ખાતે સાંભળવા મળશે તે દિવસો દૂર નથી.

નારગોલમાં તૈયાર થયેલા વનની વિગત
નારગોલ ગામના માલવણ બીચને અડીને નિર્માણ પામેલું આ વન વિદેશી પક્ષીઓ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશેઆ સ્થળ પહેલાથી જ વિદેશી પક્ષી ઓ માટે પસંદગીનું સ્થળ સાબિત થતું આવ્યું છે હવે 60 થી વધુ પ્રકારના વૃક્ષોના 1.20 લાખ છોડવાનું વાવેતર થાય બાદ સુંદર વન નિર્માણ પામવાથી આ સ્થળે સ્થળાંતર કરી આવતા વિદેશી પક્ષીઓની સંખ્યા બમણી થઈ જશે.

શું છે મિયાવાકી ફોરેસ્ટ?
મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી એનું નામ મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષ માં થાય છે તે આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં થઈ જતી હોય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી પોતા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે.

કોણ છે ડોકટર રાધાકૃષ્ણ નાયર?
ડૉ. રાધા ક્રુષ્ણ નાયર મૂળ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના છે. પરંતુ છેલ્લા 25 વર્ષથી તેઓએ ગુજરાત રાજ્યના ઉમરગામને કર્મભૂમિ બનાવી છે. મૂળ ખેડૂત પરિવારના ડૉ. આર.કે. નાયરે પોતાની કારકીદી રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ સાથે શરૂ કરી ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારી નામના મેળવી છે. પ્રકૃતિ પ્રેમી એવા ડૉ. આર.કે. નાયરને વૃક્ષો પ્રત્યે ખુબજ લગાવ હોવાથી જીવનમાં વૃક્ષો વાવવા માટે ખુબજ રસ ધરાવતા આવ્યા છે ડોકટર નાયર 12 વર્ષ પહેલા એનવાયરો ક્રિએટર્સ ફાઉંડેશન સાથે જોડ્યા હતા ત્યાર બાદ તેમણે આજદિન સુધી 12.5 લાખ વૃક્ષોનું રોપણ કરાવી હરિયાળી ક્રાંતિ કરી છે. વિવિધ સંસ્થા તેમજ ભારત સરકારે અનેક મંચ ઉપર તેમને પુરુસ્કૃત કરી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા સમગ્ર દેશમાં પુલવામાં શહીદોને ખરી શ્રદ્ધાંજલી આપવા માટે 40 શહીદ વન શહીદોના નામે કરવાનો સંકલ્પ કરી વનો નિર્માણ કરવામાં આવી રહ્યાછે. ઝારખંડ, મુંબઈ, ગુજરાતના કચ્છ તેમજ ઉમરગામ તાલુકાનાં કાલય ખાતે મળી અત્યાર સુધી તેમને 58 વન નિર્માણ કર્યા છે.

નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ કોટવાલે કહ્યું કે, નારગોલ ગામે પંચાયતની જમીન ખાતે આ પ્રકારનો પ્રોજેકટ નિર્માણ થયાનો અમોને ગર્વ છે. આ પ્રોજેકટ નિહાળવા અનેક લોકો આવી રહ્યા છે આ પ્રોજેકટના કારણે નારગોલ માલવણ બીચ તરીકે ઊભરી આવતા કોવિડ કાળમાં પણ પર્યટકો આ બીચ ખાતે સતત આવી રહ્યા છે આવનારા દિવસોમાં આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકેનું ઉત્તમ સ્થળ સાબિત થશે. અમો ખાસ કરીને નાયરજી ના આભારી છીએ.

એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના કો ફાઉન્ડર ડો. આર.કે, નાયરે જણાવ્યું કે, નારગોલ ગામ કુદરતી સોન્દર્યથી ભરેલું એક સ્વર્ગના ટુકડા સમાન ગામ છે. આ ગામમાં આ કાર્ય કરવાનો મોકો મળ્યો એજ મોટી વાત છે. આ પ્રોજેકટના પ્રથમ તબક્કાની કામગીરીના ભાગ રૂપે વૃક્ષોનું રોપણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે હવે ત્રણ વર્ષ સુધી જતન કરી વૃક્ષોને ઉછેર કરી જંગલ પંચાયતને પરત સોપવામાં આવશે. આ પ્રોજેકટના કારણે બાયો ડાઈવરસીટીને વેગ મળશે. હજારો પક્ષીઓ આ વિસ્તારમાં જોવા મળશે, કુદરતી આપ્પતી જેવીકે વાવાઝૉડા સામે આ જંગલ સુરક્ષા દીવાલ રૂપી કારગર સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...