ચૂંટણીનો ધમધમાટ:જિલ્લાની પાંચ બેઠક માટે કોંગ્રેસ નવા ચહેરાના ભરોસે, ભાજપના જૂના જોગી મેદાને, AAPથી ત્રિપાંખિયો જંગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડની વધુ 3 બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, એક જ દિવસમાં 12 ઉમેદવારી પત્ર ભરાયા

વલસાડ જિલ્લામાં શુક્રવારે વિધાનસભાની 5 બેઠકમાં 12 ઉમેદવારે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.અત્યાર સુધીમાં ઉપડેલા 72 ફોર્મમાંથી કુલ 12 ઉમેદવારે ફોર્મ રજૂ કર્યા છે.બીજી તરફ ધરમપુર કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે આખરે આદિવાસી પટ્ટીની આ મહત્વની બેઠક પર કોંગ્રેસના માજી સાંસદે વિધાનસભાની આ બેઠક પર ફોર્મ રજૂ કર્યું હતું.

આ સાથે કોંગ્રેસે વલસાડની બાકી રહેલી બેઠકના યુવા ઉમેદવારનું નામ જાહેર કરતા કોકડું થાળે પડ્યું છે. 14 નવેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. જેથી ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવા ઉમટશે. ભાજપે જૂના જોગીઓને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ નવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે. આ વખતે આપ પાર્ટીની પણ એન્ટ્રી થતાં પાંચેય બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે ત્યારે ભાજપના તમામ ઉમેદવારોના નામો જાહેર થઇ જતાં 10 નવેમ્બરે પારડીની બેઠક પરથી કનુભાઇ દેસાઇએ ફોર્મ રજૂ કરી દીધું હતું.જ્યારે શુક્રવારે જિલ્લાની વલસાડ,ઉમરગામ અને કપરાડા બેઠકના ભાજપના ઉમેદવારોએ કાર્યકરો,સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

વલસાડ બેઠકના ત્રીજી ટર્મના ઉમેદવાર ભરતભાઇ પટેલના નામની દરખાસ્ત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિખિલ ચોકસીએ રજૂ કરી હતી.જિ.ભાજપ પ્રમુખ તથા હોદ્દેદારો,કાર્યકરોના સથવારે વલસાડના આરઓ નિલેશ કુકડિયા સમક્ષ ભરતભાઇ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ મામલતદાર કચેરીમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આગામી 14 નવેમ્બર સુધી લોકોનો ધસારો જોવા મળશે.

ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવી

વલસાડ : કોંગ્રેસે ગત ટર્મમાં માછી સમાજને ટિકિટ આપ્યા બાદ આ વખતે પાટીદારને પ્રાધાન્ય
ધરમપુર અને વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી મુદ્દે મથામણ ચાલી રહી હતી ત્યારે વલસાડ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસે પાટીદાર યુવાન ઉમેદવારની પસંદગી કરી છે.રાબડાના વતની અને વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલ પટેલના નામની જાહેરાત શુક્રવારે થતાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ગત ટર્મમાં કોંગ્રેસ આ બેઠક પર માછી સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી જ્યારે આ વખતે કોંગ્રેસે પાટીદાર સમાજને પ્રાધાન્ય આપી છે.

પારડી : પારડી બેઠક પર ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા, હવે પ્રચાર કાર્ય શરૂ
પારડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ ગુરૂવારે ઉમેદવારી પત્ર પોતાના સમર્થકો સાથે ભર્યું હતું. જ્યારે શુક્રવારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રી પટેલે આ બેઠક પર ફોર્મ ભર્યું છે.આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વાપી બલીઠાના કેતન પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું.આમ પારડીમાં ભાજપ,કોંગ્રેસ અ્ને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે.જ્યારે આ બેઠક ઉપર ઉમરસાડીના નવીન શંકરભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ધરમપુર : ભાજપમાં સ્થિતિ સાફ થઈ પરંતુ કોંગ્રેસમાં હજુ પણ ટિકિટને લઈ વિવાદ શાંત થતો નથી
ધરમપુરમાં પાર, તાપી, નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજ વિરોધમાં જોડાયો હતો. અનેક રેલીઓ અહીં થઈ હતી ત્યારે રાજકીય પાર્ટી કોને ટિકિટ આપશે તેના પર સૌની મીટ હતી. ભાજપે ધારાસભ્યને રિપિટ કર્યા છે. આપ પાર્ટીએ પણ ઉમેદવારની જાહેરાત કરી છે પરંતુ ધરમપુરની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ઉમેદવારોની પસંદગીનો મામલો કેટલાક દિવસોથી ગુંચવાઇ રહ્યો હતો ત્યારે શુક્રવારે માજી સાંસદ કિશન પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

ઉમરગામ : વારલી સમાજના બન્ને ઉમેદવારો વચ્ચે સીધો જંગ, માજી મંત્રી માટે પ્રતિષ્ઠાનો જંગ
ઉમરગામ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી છેલ્લી ઘડી સુધી માજી મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકર, બજરંગ વારલીના નામો ચર્ચામાં રહ્યા હતા પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ રમણ પાટકરને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે પણ વારલી સમાજમાંથી નરેશ વળવીને ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર બન્ને વારલી સમાજના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળશે. શુક્રવારે ભાજપના ઉમેદવાર રમણ પાટકરે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

કપરાડા : 2017ની તુલનાએ 2022માં કપરાડામાં પણ ભાજપ - કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
કપરાડા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ભાજપમાં આવ્યા બાદ સમીકરણો બદલાયા છે. વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી જીતુભાઈ ચૌધરી માત્ર 170 મતે વિજય થયા હતા. આ ‌વખતે જીતુભાઈ ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે. છેલ્લા અનેક વર્ષોના પરિણામોના આધારે 2022માં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની પૂરેપૂરી સંભાવના છે. શુક્રવારે જીતુભાઈ અને વસંતભાઈએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

શુક્રવાર સુધીમાં જિલ્લાની 5 બેઠકો માટે 72 ફોર્મ ઉપડ્યા
વલસાડ જિલ્લામાં ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયુ ત્યારથી 11 નવેમ્બર સુધીમાં કુલ 72 જેટલા ફોર્મ ચૂટણી અધિકારીની કચેરીઓમાંથી ઉપાડવામાં આવ્યા છે.જેમાંથી અત્યાર સુધી ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા છે.

જિલ્લામાં ક્યાં કેટલા ફોર્મ ભરાયા

બેઠકનુ નામ

ઉમેદવારી પત્ર
ધરમપુર1
વલસાડ1
પારડી3
કપરાડા5
ઉમરગામ2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...