ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી:ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રીના નમૂન અનસેફ જાહેર

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે વિવિધ 71 સ્થળેથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા

વલસાડ જિલ્લામાં પ્રજાને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા વખતો વખત હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ઓક્ટોબર-2022માં વલસાડ જિલ્લાના કુલ 71 સ્થળેથી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા ફાફડા, જલેબી, મીઠો માવો, કાજુ કતરી, દહીંવડા, પૌઆ ચેવડો, મોહનથાળ, મકાઈ ચેવડો, ખજૂર પાક, ગાંઠીયા, બેસન, મિલ્ક કેક, લાલ મરચા પાઉડર, અને કલાકંદ સહિતની અનેક ખાદ્ય સામગ્રીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નાસિક રોડ પર નાનાપોંઢા પોસ્ટ ઓફિસની સામે શ્રી વિનાયક કિરાણા સ્ટોરમાંથી મળી આવેલા કરમચંદ પ્રીમિયમ બ્રાન્ડ પાન મસાલામાં પેકેટ ઉપર અધૂરી વિગતો દર્શાવવામાં આવી હોવાથી તેને મિસબ્રાન્ડેડ જાહેર કરી એફએસએસએ (ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ) એક્ટ-2006 હેઠળ ફૂડ સેફટી ઓફિસર કેતન જે. પટેલે સ્ટોરના પ્રોપ્રરાઈટર હસ્તીમલ જીવારામ માલી સામે કેસ દાખલ કર્યો હતો. વલસાડ સિવિલ રોડ પર તળાવની સામે મંગલમ એપાર્ટમેન્ટમાં આવેલી ગોપાલ ડેરીમાં ગાય અને ભેંસના દૂધમાં તેમજ સિવિલ રોડ પર આવેલા હરી દર્શન એપાર્ટમેન્ટની ગીતાંજલી ડેરીમાં ભેંસના દૂધમાં નિયત સ્ટાન્ડર્ડ જળવાયા ન હોવાથી સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી ફૂડ સેફટી ઓફિસર જ્યોતિ કે. ભાદરકાએ ગોપાલ ડેરીના પ્રમોદ જશવંતસિંહ રાજપૂત અને ગીતાંજલી ડેરીના અભયરાજ પન્નાલાલ સોની સામે એફએસએસએ એક્ટ – 2006 મુજબ કેસ દાખલ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તલવાડા ગામની હદમાં ને.હા.નં.48 પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં હોટલ બાલાજી રાજસ્થાનીમાં ફુડ સેફટી ઓફિસર આર.એમ.પટેલે ટીમ સાથે તપાસ કરતા સેવ ટામેટાનું શાકના સેમ્પલ તપાસમાં નાપાસ થયા હતા. જેથી આ ખાદ્ય સામગ્રી આરોગ્યને નુકસાનકારક હોવાનું જણાતા અનસેફ ફુડ જાહેર કરી પ્રોપાઈટર દેવભાઈ અનરામભાઈ ચૌધરી સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામના ધનોલી ગામની હદમાં ને.હા.નં.48 પર અંબર હોટલમાં તપાસ કરતા વેજ બિરયાનીના નમૂના નાપાસ થયા હતા. જેથી તેને અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યું હતું. આ જ હોટલમાં મિક્ષ વેજીટેબલ શાકમાં નિયત સ્ટાન્ડર્ડ જળવાયા ન હોવાથી તે ફૂડને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી અંબર હોટલના પ્રોપ્રાઈટર અમઝદઅલી માસુકલી ખાન સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વલસાડના પારડી સાંઢપોર ખાતે કૈલાસ રોડ પર આવેલી મણીબાગ સોસાયટીમાં જયોતિ ભાદરકાએ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરની દુકાનમાં તપાસ કરતા નિયત સ્ટાન્ડર્ડ જળવાયા ન હોવાથી તેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી મીતુભાઈ ઠાકોરભાઈ રાઠોડ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર-2022 દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયેલા 34 નમૂના પાસ થયા છે જ્યારે 4 નમૂના નાપાસ થતા કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...