ચૂંટણી:જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પગલે ગ્રાન્ટ કે નવા કામો નહિ થાય

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ અને કર્મચારીઓની બદલી અને રજા ઉપર પ્રતિબંધ

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્‍તારોમાં ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા જાહેર થઇ જતાં તંત્ર કામે લાગ્યું છે.આચાર સહિંતાના અમલ માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.જેના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં કોઇ ગ્રાન્ટની મંજૂરી કે નવા કામો ચાલૂ કરી શકાશે નહિ.જેને લઇ નવા કામો પર બ્રેક લાગી છે.

રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા 17 નવેમ્બર 2021ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર શાસક પક્ષ, રાજકીય પક્ષો, ઉમેદવારોએ, વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાણવણી અંગે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે. જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના સબંધિત તમામ કચેરીઓમાં રાજ્ય સરકારના વિવિધ ખાતાની કચેરીના વડાઓ સામાન્ય, પેટા ચૂંટણી દરમિયાન તાકીદના તબીબી કારણો સિવાય તેમના તાબા હેઠળના ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અધિકારીઓની રજા મંજૂર કરી શકશે નહીં તેમજ બદલી કરી શકાશે નહીં.

આ ઉપરાંત સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપવા, મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરવા તેમજ વચનો આપવા, કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્‍ટ અથવા તેના વચનોની જાહેરાત કરવા તેમજ વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરવા ઉપર પણ પ્રતિબંધ રહેશે. આ સૂચનાનો અમલ 22 નવેમ્બર 2021 થી 21 ડિસેમ્બર 2021ના પરિણામની જાહેરાત સુધી કરવાનો રહેશે.

ગુજરાત વિધાનસભા ચંૂટણી પૂર્વે રાજ્યના મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં સ્થાનિક ચૂંટણી યોજાઇ રહી છે. જોકે, ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે 28મી નવેમ્બરે વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થઇ રહી છે. આમ નવેમ્બરનો અંતીમ સપ્તાહ અને ડિસેમ્બર માસમાં ચૂંટણીનો ધમધમાટ જિલ્લામાં જોવા મળશે.

પંચાયતોની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાનું 30 ડિસેમ્બરથી શરૂ થશે
ચૂંટણી કાર્યક્રમ 22 નવેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવ્‍યો હતો..જ્યારે ચૂંટણીની નોટીસો,જાહેરનામા પ્રસિધ્‍ધ કરવાની તારીખ 29 નવેમ્બર 2021 છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર 2021,ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તારીખ 6 ડિસેમ્બર 2021,,ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર 2021,, મતદાનની તારીખ 19 ડિસેમ્બર 2021 (રવિવાર) સવારના 7.00 થી સાંજના 6.00 વાગ્‍યા સુધી, પુનઃમતદાનની જરૂર જણાય તો તારીખ 20 ડિસેમ્બર 2021, મતગણતરીની તારીખ 21 ડિસેમ્બર 2021, જ્‍યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની 24 ડિસેમ્બર 2021 રહેશે.

અન્ય સમાચારો પણ છે...