વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. વાપી ખાતે વડાપ્રધાન રોડ શો યોજાશે. ત્યારબાદ વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે વડાપ્રધાનની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂજવા ખાતે 40 હજારથી 50 હજારથી વધુ જન મેદનીને સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ વલસાડમાં 18થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જુજવા ગામમાં વડાપ્રધાનની સભા યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના પ્રચાર અર્થે તા. 19 નવેમ્બરના રોજ બાય રોડ વાપી ખાતે રોડ શો તથા વલસાડ તાલુકાના જુજવા ગામમાં ગ્રીનવુડ ખાતે આયોજિત સભામાં આવનાર છે. ત્યારબાદ તા. 20 નવેમ્બરના રોજ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જનાર છે. વડાપ્રધાનની સભામાં આશરે 40,000 થી 50,000 જેટલી જનમેદની ઉપસ્થિત રહેનાર હોવાની સંભાવના છે. વડાપ્રધાન Z+ અને SPG સુરક્ષા કવચ ધરાવતા હોવાથી કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે.
લોકોની સુરક્ષાને લઈ ડ્રોન ઉડાડવા પરપ્રતિબંધ
આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો અવરોધ પેદા કરવા રોડ ઉપર તેમજ આકાશમાં તુક્કલ, ફુગ્ગા, પતંગ, ડ્રોન ઉડાડતા હોય છે. જેના કારણે દુર્ઘટનાઓ અને અકસ્માત સર્જાવવાના કિસ્સા ઉપસ્થિત થાય છે. કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ થવાના સંજોગો પણ ઉભા થતા હોય છે. આ સિવાય જાહેરમાર્ગો ઉપરથી અવર જવર કરતા રાહદારીઓને પણ અડચણ થાય છે. તુક્કલ અને પતંગ ઈલેક્ટ્રીક પાવર લાઈન સાથે સ્પર્શ થવાના કારણે જીવલેણ અકસ્માતો પણ બને છે. જેથી જાહેર સલામતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી તા. 19 નવેમ્બર અને તા. 20 નવેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી ન થાય અને સુરક્ષા જળવાય રહે તે હેતુથી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે તા. 18 નવેમ્બર થી તા. 20 નવેમ્બર સુધી વલસાડ જિલ્લામાં તુક્કલ, ફુગ્ગા, પતંગ અને ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.