વલસાડથી ગ્રાઉન્ડ રિપોર્ટ:હજુ પણ ભારે વરસાદની આગાહી, ઔરંગા નદીના પૂરથી જનજીવન ખોરવાયું, નિચાણવાળા વિસ્તારમાં ઠેર-ઠેર કાદવ કિચ્ચડ

વલસાડ2 મહિનો પહેલા
  • પાણી ઉતરતા તંત્રએ સફાઈ કામગીરી આરંભી, નુકસાનીનો સર્વે પણ હાથ ધરાયો
  • અનેક લોકોનું સ્થાળાતર કરી તેઓને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં હતા

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યાં હતા. જેથી જનજીવન ખોરવાયું હતું. તંત્ર દ્વારા અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ નદીના પાણી ઉતરતા નિચાણવાળા વિસ્તારમાં ઠેર-ઠેર કાદવ કિચ્ચડ જોવા મળ્યાં હતા. જોકે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી છે. તેમજ નુકસાનીનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગના વડાએ વલસાડ અને ડાંગમાં ગુરૂવારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે.

અસરગ્રસ્તોને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઈને ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. વલસાડ શહેરના અને ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પૂરના પાણી ફરિવળતા જનજીવન ખોરવાયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમા એલર્ટ કરીને લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં હતા. સેલ્ટર હોમ ખાતે પુરગ્રસ્ત લોકોને રાખવામાં આવ્યાં હતા.

ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 14 જૂલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરને અસર કરતી ઔરંગા નદીના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના ગામોમાં અવિરત પડી રહેલા વરસાદને લાઈને ઓરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. જેથી વહીવટી તંત્ર સજાગ બન્યું હતું. સમયસર નગરપાલિકા, મામલતદાર તેમજ પોલીસ વિભગની મદદ લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપને લઈને વલસાડ શહેરના કાશ્મીર નગર, બરૂડિયા વાડ, તરિયાવાડ, પીચિંગ, અબ્રામા મોગરાવાડી, છીપવાડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જેથી જનજીવન ખોરવાયું હતું.

લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા
રવિવાર અને સોમવારે 2 દિવસ સતત ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી નદીના પાણી શહેરના તેમજ નદીના તટ ઉપર રહેતા લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. વલસાડના છીપવાડ દાણા બજારમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પહેલા વેપારીઓને અનાજ, કઠોળ કે તેલ સહિત તમામ ચીજ વસ્તુઓ ડૂબી જતાં દાણા બજારમાં આવેલી 80થી વધુ દુકાનોમાં અનાજ, કઠોળ અને ચીજ વસ્તુઓ ડૂબી જતાં વેપારીઓને કરોડો રૂપિયાની નુકશાન થયું હતું.

પુરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે હાથ ધરાયો
વલસાડ ખાતે પુરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા ઘરવખરી સહિતની નુકસાની આવરી લેવામાં આવશે. ઔરંગા નદીને અડીને આવેલા કાશ્મીર નગરમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. એક પરિવારમાં પતિ-પત્ની અને 2 દીકરીઓ ઘરમાં ફસાઈ ગયા હતા જેને વલસાડ ફાયર ફાઈટરના જવાનોએ 120થી 130ની સ્પીડે વહેતા નદીના પ્રવાહમાંથી પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.

NDRFની ટીમે અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યું
ઔરંગા નદીના તટમાં શનિવારે સાંજે JCBનો કારીગર ઊંઘ આવતા JCB ઉપર સુઈ ગયો હતો. બીજા દિવસે સવારમાં પાણીની વચ્ચે ફસાઈ જતા NDRFની ટીમે બોટ મારફતે 130ની સ્પીડમાં વહેતા પાણીમાંથી JCBમાં ફસાયેલા માણસને બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું. ધમડાચી વિસ્તારમાં ગર્ભવતી મહિલા અને 7 દિવસ પહેલા જન્મેલા શિશુ સહિત પરિવારના 6 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું.

સેલ્ટર હોમમાં લોકો માટે તમામ વ્યવસ્થા કરાઈ
જિલ્લામાં રેલના પાણી ઉતરી ગયા બાદ વહીવટી તંત્રએ વધુ સજાગતા દાખવીને શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સેલ્ટર હોમમાં સ્થળાંતર થયેલા લોકોને સતર્કતાના ભાગ રૂપે ઘરે પરત જાવા દીધા ન હતા અને તમામ લોકોને સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યાં હતા. તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શહેરમાં આવેલા 64 સેલ્ટર હોમમાં 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ચેકડેમ અને કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા
ઔરંગા અને ધરમપુરની તાન અને માન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને કોઝવે અને ચેકડેમ ડૂબી જતાં તમામ કોઝવે અને ચેકડેમ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોને ભયજનક સપાટીથી પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અટકાવવામાં આવ્યાં હતા. જેને લઈને કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાંથી જાનહાની ટાળી શકવામાં સફળતા મળી હતી.
પૂરગ્રસ્ત વિસ્તાર માટે સર્વે કરવી સહાય ફાળવવાની માગ
​​​​​​​વલસાડ તાલુકા અને શહેરના રસ્તાઓ અને પુલોને ખુબ જ નુકસાન થયું હોવાથી ધારાસભ્ય ભરત પટેલે વલસાડ તાલુકા અને શહેર માટે ગ્રાંન્ટનું વધારાનું યોગ્ય પેકેજ ફાળવવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ઉપરાંત વરસાદથી અને રેલના પાણીથી નુકસાન થયેલા વેપારીઓ તથા ગરીબ મધ્યમ વર્ગના લોકોનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા પણ વિનંતી કરી છે.

અનેક જગ્યાએ 15 ફૂટ સુધી પાણી ભરાયા ​​​​​​​
​​​​​​​
વલસાડના શહેરી વિસ્તારમાં વરસાદ આવતા તેમજ ઉપરવાસમાં વરસાદ આવતા ઔરંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ હતું. જેથી શહેરમાં છીપવાડમાં દાણા બજાર, તરીયાવાડ, કાશ્મીરનગર, વલસાડ પારડી, લીલાપોર, વેજલપોર, ભાગડાખુર્દ, ભાગડાવડા, ભદેલી જગાલાલા, હીંગરાજ, મગોદ, મગોદ ડુંગરી વિસ્તારમાં 10 થી 15 ફુટ પાણી ભરાઇ ગયા છે. હજુ પણ 17 તારીખ સુધીની વધુ વરસાદની આગાહી હોય અને ફરીથી આ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની આજ પરિસ્થિતી થવાની સંભાવના છે.

રોડ-રસ્તામાં પણ મોટાપાયે નુકસાન
વલસાડના છીપવાડમાં દાણા બજારમાં લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું છે. ગરીબોના ઘર અને ઘરવખરીનો સામાન સંપુર્ણ તણાય ગયો છે. એક વ્યકિતનું મોત પણ થયુ છે. વલસાડ તાલુકામાંથી ઔરંગા નદી, પાર નદી, વાંકી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવવાથી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારના રસ્તાઓ, નાના મોટા પુલો, નાળાઓને ખુબ નુકસાન થયું છે. કેટલાંક ગામો રસ્તાઓ ધોવાઇ જવાથી સંપર્ક વિહોણા છે. વલસાડ ગુંદલાવ, ખેરગામ રોડ પર આવતો ઔરંગા નદીનો પુલ 70 વર્ષ જુનો છે અને નીચો છે, જે પુલ ડેમેજ થઇ ગયો હોવાથી સંપુર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલમાં વલસાડ મોગરાવાડી ગરનાળામાં 10 ફુટ પાણી ભરાવાથી વલસાડ રેલવેથી પૂર્વ અને પશ્ચિમનો વહેવાર સંપૂર્ણ બંધ થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...