• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Fishing Boat Stuck In Sea Near Valsad, Daman Coastguard Rescued 10 Fishermen With Helicopter, 3 Fishermen Refused To Leave The Boat

દિલધડક રેસ્ક્યૂ:વલસાડથી પાસે દરિયામાં માછીમારી બોટ ફસાઈ, દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી 10 માછીમારને ઉગાર્યા, 3 માછીમારનો બોટ છોડવાનો ઈનકાર

વલસાડએક મહિનો પહેલા
  • બોટ-માલિક અને બે માછીમાર બોટ રિપેર કરવા માટે બોટ પર રહ્યા

વલસાડથી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં નવસારીની એક માછીમારી બોટ યાંત્રિક ખામીને કારણે બંધ પડી જતાં દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. બોટ પર સવાર 13 માછીમારમાંથી 10 માછીમારને ઉગારી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરાઈ હતી. જ્યારે બોટ પર સવાર બોટના માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઈનકાર કરી બોટ પર જ રહ્યા હતા. તેઓ બોટ રિપેર કરવા માટે રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું
નવસારી જિલ્લાના ક્રિષ્નાપુરની તુલસીદેવી નામની બોટ મુંબઈના દરિયામાં માછીમારી કરવા નીકળી હતી. આ બોટ વલસાડના દરિયાકાંઠેથી 13 નોટિકલ માઈલ દૂર હતી ત્યારે એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતાં બંધ પડી હતી, જેને કારણે બોટ પર સવાર 13 માછીમારના જીવ પડીકે બંધાયા હતા. મદદ માટે સુરત કન્ટ્રોલ રૂમની મદદ માગવામાં આવતાં દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું.

ત્રણ માછીમારે હેલિકોપ્ટરમાં જવાની ના પાડી
બોટ પર સવાર 13 માછીમારનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરતાં કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી એક બાદ એક 10 માછીમારને ઉગારી લીધા હતા, પરંતુ બોટના માલિક અને અન્ય બે માછીમારે બોટને છોડવાનો ઈનકાર કર્યો હતો. ત્રણેય માછીમારે બોટ પર જ રહેવાની તૈયારી બતાવી હતી.

રેસ્કયૂ કરાયેલા માછીમારોને દમણ લઈ જવાયા
વલસાડ નજીક દરિયામાં ફસાયેલી બોટમાંથી 10 માછીમારનું રેસ્ક્યૂ કરી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માછીમારોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

એક કલાક ઓપરેશન ચાલ્યું
બોટનું એન્જિન ફેલ થઇ જતાં દમણ કોસ્ટ ગાર્ડની ટીમના ડીઆઇ અમિત કોરગાંવકર કમાન્ડન્ટ દુર્ગેશ તિવારીના નેતૃત્વ હેઠળ ચેઇન કન્ડક્ટ લોંન્ચ કરી 11 ખલાસીને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું.કોસ્ટ ગાર્ડે સાહસ દાખવી ખુદ નીચે ઉતરી ખલાસીઓને રેસ્ક્યુ માટેની સમજ આપી 11 ખલાસીને હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરી બચાવ્યા હતા.

બોટ માલિકને સમજાવી પરત લાવ્યા
નવસારીના કૃષ્ણપુરની તુલસી દેવી બોટનું એન્જિન ફેલ થતાં વલસાડના મધદરિયે ફસાયેલી બોટના માલિક કૌશિક ટંડેલ અને તેમના સભ્યોને રેસ્ક્યુ કરવા સમજ આપવા છતાં તેમણે બોટ લઇને કિનારા પર નિકળીશું તેવી વાત કરી કોસ્ટ ગાર્ડને ઇન્કાર કરી દીધો હતો.બપોર પછી માલિકને પણ લઇ આવી હતી.

એન્જિન ફેલ થતા બોટ નકામી
માછીમારી કરતી બોટનું એન્જિન ફેલ થતાં દરિયામાં ચાલતી તો અટકી જ જાય છે સાથે જ પાવર સિસ્ટમ પણ ઠપ થઇ જાય છે જેથી કરીને બોટમાં ભરાતા પાણીને પમ્પિંગ કરવું મુશ્કેલી પડતી હોય છે. બોટમાં વધારે પાણી ભરાવાથી ડૂબી જવાની સંભાવના પણ રહેતી હોય છે.

બોટને ટોઇંગ કરીને કિનારે લવાશે
11 ખલાસીને રેસ્ક્યુ કરી દમણ કોસ્ટ ગાર્ડ હવે બોટ એન્જિન ફેલ થઇ જઇ બંધ થઇ જતાં તેને ટોઇંગ કરીને કિનારે લાવવાના પ્રયાસો કરાયા છે.આ બોટ મોટી હોવાથી દમણ અને નવસારી જિ.ફિશરીઝને મોટી યાંત્રિક બોટ લાવવા જાણ કરવામાં આવી હતી. - ભારતીબેન પટેલ, મદદનીશ નિયામક, વલસાડ ફિશરીઝ

કોસ્ટગાર્ડે ઓપરેશન ચેતક 802 લોન્ચ કર્યુ
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના હેડ કવાર્ટરથી સવારે વલસાડ નજીક માછીમારી કરતી બોટ ફસાય હોવાનો મેસેજ મળ્યો હતો. બોટમાં 10થી વધુ કર્મી હોવાની માહિતી મળતા જ દમણ કોસ્ટગાર્ડે ઓપરેશન ચેતક 802 લોન્ચ કર્યુ હતું. અને હેલિકોપ્ટરની મદદથી બોટમાં ફસાયેલા તમામ 11 ખલાસીને રેસ્કયુ કરાયા હતા. દમણ કોસ્ટગાર્ડ લાવી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ વલસાડ ફિશરિંઝ ડિપાર્ટમેન્ટને સુપરત કરાયા હતા. જ્યારે બોટ માલિક સહિત અન્ય ત્રણને પણ બુધવારે મોડી સાંજે બચાવી લેવાયા હતા. - એેસ.એસ. બાજપાય, ડીઆઇજી, દમણ કોસ્ટગાર્ડ

અન્ય સમાચારો પણ છે...