રોગચાળો ભય:વલસાડમાં લેપ્ટોસ્પાઇરોસિસની એન્ટ્રી મહિલા પોઝિટિવ આવતા પ્રથમ કેસ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના પણ વધુ 13 કેસ નોંધાયા, 12 દર્દી સાજા થતાં રજા આપી

વલસાડમાં જૂલાઇ માસ દરમિયાન કોરોનાના સતત કેસો આવી રહ્યા છે તેમાં હવે લેપ્ટોસ્પાઇરોસિસે દેખા દેતા તંત્ર કામે લાગ્યું છે.બુધવારે વલસાડ તાલુકાની એક મહિલાનો લેપ્ટોસ્પાઇરોસિસમાં સપડાતા ચોમાસાનો પ્રથમ કેસ નોંધાયો હતો.બીજી તરફ કોરોનાના પણ વધુ 13 દર્દી સામે આવ્યા હતા.

હાલે વરસાદી સીઝન પૂરજોશમાં ચાલી રહી છે.જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોમાસું બરોબર જામ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ડાંગરની રોપણી અને વાવણીના કામે ખેડૂત પરિવારો જોતરાયા છે, ત્યારે લેપ્ટોસ્પાઇરોસિસ રોગે વલસાડમાં એન્ટ્રી મારી છે.બુધવારે જિલ્લા આરોગ્ય વિભાગના દફતરે એક મહિલા લેપ્ટોસ્પાઇરોસિસ પોઝિટિવ નોંધાતાં તંત્રમાં ચહલપહલ શરૂ થઇ ગઇ હતી.

જેમાં વલસાડ તાલુકાના સેગવા ગામે રહેતી 38 વર્ષીય મહિલા લેપ્ટોના ભરડામાં સપડાઇ ગઇ હતી.વલસાડના ગામડા સેગવાની આ મહિલાને તાવના લક્ષ્ણો દેખાતા સેગવા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી,જ્યાં તેમના ટેસ્ટમાં લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષ્ણો મળતાં તેણીનો લેપ્ટો.પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.જેના પગલે આ મહિલાને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.જો કે મેડિકલ ટ્રીટમેન્ટના પગલે તેની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

અંભેટી વિદ્યાલયની 2 તરૂણી પોઝિટિવ
જિલ્લામાં કોરોનાના 13 નવા કેસો નોંધાયા હતા,જેમાં વલસાડના 9,પારડી 1, વાપી 1 અને કપરાડાના અંભેટીમાં આવેલી વિદ્યાલયમાં 13 વર્ષીય 2 તરૂણ વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી. બુધવારે 13માંથી 5 પુરૂષ અને 8 સ્ત્રી કોરોના પોઝિટિવ નોંધાઇ હતી. જેમાં વલસાડ તાલુકામાં 9 કેસ,પારડી 1,વાપી 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...