વલસાડના પારનેરામાં એક કુટુંબના પિતરાઇ ભાઇઓ વચ્ચે દૂધની બરણીને બાઇક અડી જવાના મામલે ઝગડો થતાં રોડ પર મારામારી થઇ હતી.જેમાં નાનાકાકાના છોકરાએ મોટા કાકાના છોકરાને રોકી રોડ પર પડેલો બ્લોક મારી દેતાં માથામાં અને પગે ફ્રેકચર થઇ ગયું હતું.
પોલીસ ફરિયાદ મુજબ વલસાડ તાલુકાના પારનેરા ગામે લીમડા ચોક ઉપરથી ધર્મેશ પટેલ પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના નાના કાકાનો છોકરો પિતરાઇભાઇ હેનિલકુમાર નટુભાઇ પટેલ હાથમાં બરણી લઇને રસ્તા પરથી પસાર થતો હતો.જે દરમિયાન ધર્મેશનું બાઇક હેનિલની બરણીને અડી જતાં મામલો બિચક્યો હતો.હેનિલે ધર્મેશને રોકીને ગાળાગાળી કરતાં ધર્મેશના નાના કાકા અને હેનિલના પિતા નટુભાઇ,તેમના પત્ની ગૌરીબેન અને નાનો છોકરો જયકુમાર દોડી આવી ધર્મેશને ગાળો આપી ઢિક્કામૂક્કીનો માર માર્યો હતો.
દરમિયાન જયકુમારે તેના મોટાકાકાના છોકરા ધર્મેશના માથામાં રોડ પર પડેલો બ્લોક ઉઠાવીને મારી દઇ ઇજા પહોંચાડી હતી.આ મારામારીમાં ધર્મેશના માથામાં ઇજા અને પગે ફ્રેકચર થતાં લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ મામલે પિતરાઇ ભાઇ યતીનકુમાર ચીમનભાઇ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકમાં નટુભાઇ નાનુભાઇ પટેલ, તેમના પત્ની ગૌરીબેન પટેલ,પૂત્રો જયકુમાર પટેલ અને હેનિલકુમાર પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો. સામાન્ય બાબતને લઇને થયેલો ઝઘડો છેક મારામારી સુધી પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.