વીજદરનો ભાર હળવો કરવા રજૂઆત:દાનહમાં વીજ દર વધારાથી વેપાર- ઉદ્યોગોને માઠી અસર થવાની ભીતિ

સેલવાસ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંસદ કલાબેન - Divya Bhaskar
સાંસદ કલાબેન
  • અસહ્ય વીજ દર વધારા સામે દાનહ સાંસદની ઊર્જા મંત્રીને રજૂઆત કરાઈ

દાનહ દમણ દીવમાં પ્રશાસન દ્વારા વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવતાની સાથે જ આ કંપનીએ અસહ્ય વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાનો બોજ ઝીંકતા દાનહ સાંસદે કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહને રજૂઆત કરી જનતાના માથેથી વીજદરનો ભાર હળવો કરાવવાની માગ કરી છે.

સાંસદ કલાબેન ડેલકરે ઊર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે,દાનહ બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે. અહીં પ્રદેશના વિકાસ પ્રજાના ઉત્થાન માટે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વેપારી સંસ્થાન અને નાના મોટા ઉદ્યોગોને ઓછા દરે વીજળી આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર નામની કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાતા હવે ઘરેલૂ,વેપારી ઔદ્યોગિક અને ખેતી સહિત દરેકના વીજળી બિલોમાં ભારી માત્રામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલ, ડીઝલ, ગેસની સાથે પ્રદેશમાં પ્રોપર્ટી ટેક્સ,હાઉસ ટેક્સના કમરતોડ વધારાથી જનતા ત્રસ્ત છે તેવા સંજોગોમાં વીજ વધારાનો બેવડો માર અસહનીય છે. ખાનગીકરણ અગાઉ પ્રશાસને ગરીબી રેખા નીચે જીવતા ગરીબ આદિવાસી પરિવારોને નિમ્ન દરે વીજ સપ્લાય કરાતી હતી જેનાથી વંચિત કરી દીધા છે. સાથે જ ઉદ્યોગો ઉપર પણ હવે ખતરો મંડરાઈ રહ્યો છે.

ઉદ્યોગોનું જો મોટા પાયે પલાયન થશે તો તેની માઠી અસર અહીંના લોકોની નોકરી કે ધંધા રોજગાર પર થશે. જેનાથી પ્રદેશમાં મોટું સંકટ ઉભુ થશે.જેથી ટોરેન્ટ પાવર કંપની દ્વારા કરવામાં આવેલા વીજ વધારા બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પુનઃ વિચાર કરવાનો આદેશ જારી કરવામાં આવે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...