આક્રોષ:વાવાઝોડાને લઈ વલસાડના ખેડૂતોને થયેલી નુકસાનીના વળતર માટે સરકારે જાહેર કરેલી સહાય સામે ખેડૂતોને અસંતોષ

વલસાડ8 મહિનો પહેલા
  • જિલ્લાની આંબા વાડીઓમાં નુકસાનીના વળતર માટે ખેડૂતો નિરાશ
  • નુકસાની થયાને જિલ્લામાં 14 દિવસ થઈ ગયા હજુ ઘણી વાડીઓમાં સર્વેની કામગીરી બાકી

તાઉ-તે વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા અને તાલુકામાં 18 હજાર હેક્ટરથી વધુ વિસ્તારોમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર ઊભા પાકને નુકસાની પહોંચી હતી. કેટલાક આંબાની કલમો જમીનદોસ્ત થઈ ગઈ હતી. વાવાઝોડુ ત્રાટકેલાને 14 દિવસનો સમય થઈ ગયો હોવા છતાં વલસાડ જિલ્લામાં ખેડૂતોની મોટા ભાગની વાડીમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ ન હોવાનું જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યાં છે.

વળતર માટેના સહાયના ફોર્મ પણ ભરાયા નથી

તેમજ એક ખેડૂતને 2 હેક્ટરમાં 30 હજારની સહાય આપવાની સ્કીમ લાવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ રહ્યાં છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ કે સરકારી સહાય જિલ્લાના ખેડૂતોને ક્યારે મળશે તે મુદ્દે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. પાક વીમા યોજના હેઠળ ડાંગરના પાકની નુકસાનીના ભરેલા ફોમના લાભાર્થીઓને 4 વર્ષ થયાં હજુ સુધી વીમા કંપની દ્વારા વળતર ચુકવવામાં આવ્યું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાઉ-તે વાવાઝોડામાં નુકસાની પામેલા ખેડૂતોને સહાય માટે સાત દિવસની અંદર ખેડૂતોને સહાય ચૂકવવાની હવામા વાતો કરી રહી છે. વલસાડ તાલુકા અને જિલ્લામાં કેટલાય એવા ગામો છે જ્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી. સર્વેની નુકસાનીના સહાયના ફોર્મ પણ ભરાયા નથી તો સરકાર વળતર કેવી રીતે ચૂકવશે તે પ્રશ્નો ખેડૂતોને સતાવી રહ્યાં છે.

સર્વે કરીને 7 દિવસમાં વળતર ચૂકવવા સૂચના આપી હતી

રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પેરા મીટરોને ધ્યાને રાખીને જિલ્લાના ખેડૂતોને આંબાવાડી, શાકભાજી અને અન્ય પાકોને થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા ગત સોમવારે કલેક્ટર કચેરીના સભાગૃહમાં બેઠક મળી હતી. જેમાં રાજ્ય વન મંત્રી રમણલાલ પાટકરે જિલ્લાના ખેડૂતોની આંબા વાડીઓમાં થયેલી નુકસાનીનું સર્વે કરી 7 દિવસમાં વળતર ચૂકવવા સૂચના આપી હતી.

ખેડૂતો લોન ભરવાના રૂપિયા ક્યાંથી આપશે

વર્ષ 2017માં અને 19માં કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયેલા નુકસાનીનું વળતર હજુ મળ્યું નથી. ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે. ખેડૂતોને પાયમાલ કરવા માંગતી સરકારે ખેડૂતોને યોગ્ય રીતે પાયમાલ કરવાની સ્ક્રીમ બનાવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. દર વર્ષે કેરીઓના પાકમાં દવા છાંટવા ખેડૂતો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન ઉપડે છે. જુલાઈ સુધીમાં લોન ભરપાય કરવાની મુદ્દત આવી ગઈ છે. ખેડૂતો લોન ભરવાના રૂપિયા ક્યાંથી આપશે.

અન્ય સમાચારો પણ છે...