માનવતાની મહેક:વલસાડમાં ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનના સંચાલકનું બ્રેઇન ડેથ થયા બાદ પરિવારના સભ્યોએ દેહ દાન કરતાં 7 લોકોને નવું જીવન મળ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી
  • સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવીસુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વાગડ વિશા ઓસવાળ સમાજ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઇન ડેડ વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે.

સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, વલસાડ તિથલ રોડ ઉપર અમરધામ સોસાયટી ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયા કે જેઓ વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા. ગત મંગળવાર તા.14મી સપ્ટેમ્બરના રોજ સવારે 5:30 કલાકે વિરેન્દ્રભાઈને એકા-એક બ્લડપ્રેસર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

મૂળ રહેવાસી ગામ વિભાણીયા, તા.કાલાવડ, જિલ્લો જામનગર અને હાલ હરે કૃષ્ણ સોસાયટી, કતારગામ ખાતે રહેતા 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા કે જેઓ રત્નકલાકાર તરીકે કાર્ય કરતા હતા. તેઓ બુધવાર તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજે 8:00 કલાકે જમીને બેઠા હતા. ત્યારે બ્લડપ્રેસર વધી જવાને કારણે બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પીટલમાં ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવાર તા.17 સપ્ટેમ્બરના રોજ કિરણ હોસ્પીટલના ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. કિરણ હોસ્પીટલના ડૉ.મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેઓ અંગદાન માટે તૈયાર થતા તેઓની 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું જેનાથી 7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું.

સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પીટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક 2019થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઇ ગયું હતું.

દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યુ.

કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી 12 કિડનીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે બધા જ ટ્રાન્સપ્લાન્ટ લાઈવ એટલે કે દર્દીના પરિવારમાંથી કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌપ્રથમ વખત કિરણ હોસ્પીટલમાં કેડેવરિક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે જેના થકી કુલ 19 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની આ સુડતાલીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ છત્રીસમી ધટના છે, જેમાંથી ૨૨ હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે. વંદન છે. સ્વ.વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) દેઢિયા અને સ્વ.જમનભાઈ ગોંડલીયા અને તેઓના સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોવિડ 19ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 42 કિડની, 24 લિવર, 10 હૃદય, 10 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 40 ચક્ષુઓ સહીત કુલ 131 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 121 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 402 કિડની, 169 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 18 ફેફસાં અને 304 ચક્ષુઓ કુલ 937 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 859 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...