સેલવાસમાં બિલ્ડરો દ્વારા ઉભી કરાયેલી કેટલીક સોસાયટીના રોજ વપરાશના ગંદા પાણીનો નીકાલ ચોરી છૂપે પાઇપ લાઇન મારફત સીધો નદીમાં કરવામાં આવતો હોવાનો અહેવાલ થોડા દિવસ પહેલા દિવ્ય ભાસ્કરે ફોટો સાથે પ્રસિધ્ધ કરતા હરકતમાં આવેલા પાલિકા તંત્રએ આવા ગંદા પાણીની લાઇન બંધ કરી નદીને વધુ પ્રદૂષિત થતા રોકી છે.
સેલવાસના કેટલાક બિલ્ડરો દ્વારા રોજ વપરાસનું ગંદુ પાણી ડોકમરડી નદીમાં પાઇપ લાઇનથી સીધુ છોડવામાં આવતું હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ સેલવાસ પાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને સ્થળ પર જઇ જે સોસાયટીઓ પાઇપ લાઇન મારફત ગંદુ પાણી ચોરી છૂપે નદીમાં ચોડવામાં આવતું હતું તેને પકડી અને તાત્કાલિક એ પાઇપ લાઇન કાપી નાંખી નદીમાં ઠલવાતું ગંદુ પાણી અટકાવી દીધુ હતું.
પરંતુ આ સોસાયટીઓ દ્વારા છોડવામાં આવતા પાણીને ક્યાં સુધી બંધ રાખવામાં આવશે અને પાલિકા ક્યાં સુધી નજર રાખશે એવા સવાલો સ્થાનિક જાગૃત નાગરીકોમાં ઉઠી રહ્યા છે. પાલિકા દ્વારા ફક્ત ડ્રેનેજ પાઇપ લાઇન બંધ કરવાથી કામચલાઉ ઉકેલ આવ્યો છે. નદીને પ્રદૂષિત કરવાના ગુના અંગે આવા બિલ્ડરો સામે પાલિકા તંત્ર દંડાત્મક કાર્યવાહી કરે એવી લોકલાગણી ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.