કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ચૂકી છે છતાં પ્રાથમિક શાળા ચાલૂ કરવામાં આવી નથી.તેમ છતાં વલસાડના ઓલગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારી કરવા માટે બાળકોને ઝાડૂ લઇને સફાઇની કામગીરી કરતા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો.
બાળકોને કામે લગાવ્યાં
વલસાડ તાલુકાની શાળાઓમાં આઝાદીના પર્વની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી.તે દરમિયાન ઓલગામની પ્રાથમિક શાળા સહિત કેટલીક શાળાઓમાં પ્રાંગણમાં ઉગેલા ઘાસ અને કચરાની સફાઇ માટે બાળકોને બોલાવી સાફસફાઇની કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા હતા.
કોવિડને લઇને શાળાઓ બંધ છે
શનિવારે ઓલગામની પ્રાથમિક શાળામાં કેટલાક બાળકો હાથમાં ઝાડૂ અને પ્લાસ્ટિકના ડબ્બા લઇને ઉત્સાહભેર સફાઇ કામગીરી કરતા નજરે પડ્યાં હતા.જો કે હાલમાં કોરાના મહામારીને લઇ કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરવા કોઇ આદેશ કરાયો નથી.જેને લઇ બાળકોને શાળામાં બોલાવી શકાય નહિ તે સમજી શકાય છે.
શિક્ષકો ક્યાં હતા તે પ્રશ્ન ઉઠ્યો
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પણ નાના બાળકોને હાલમાં બોલાવવાનું કોઇ આયોજન નથી.બાળકો વિના મર્યાદિત સંખ્યામાં જ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જાણ કરાઇ છે.પરંતુ વલસાડ તાલુકાની ઓલગામ પ્રાથમિક શાળામાં બાળકોને બોલાવી સાફસફાઇની કામગીરીમાં જોતરવામાં આવતા અચરજ ફેલાયું હતું.આ તબક્કે શિક્ષકો ક્યાં હતા તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ઉઠ્યો હતો.સરકારની સૂચના વિના જ બાળકોને સફાઇ માટે કામે લગાડયા હતા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.