મધરાતે મરણનો દાખલો અપાયો:ઉમરગામના ભિલાડમાં વૃદ્ધનું મોત, રાજસ્થાન મૃતદેહ લઈ જવા અડધી રાત્રે પંચાયતની ઓફિસ ખોલી દાખલો અપાયો

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી કમ મંત્રીએ ગણતરીના કલાકોમાં મરણનો દાખલો કાઢી આપી સંવેદનશીલ કામ કર્યુ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભિલાડ ગ્રામપંચાયત વિસ્તારમાં રહેતા એક પરિવારના 80 વર્ષીય વૃદ્ધાનું રાત્રે મૃત્યું થયું હતું. ત્યારે પરિવારે વૃદ્ધની અંતિમ ક્રિયા કરવા માટે રાજસ્થાન જવાનું હોવાથી ભિલાડ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા ગણતરીના કલાકોમાં વૃદ્ધાનો મરણનો દાખલો કાઢી આપ્યો હતો. કામગીરી પ્રત્યે નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાયદ આ રાજ્યની પ્રથમ ઘટના હશે કે, જ્યાં પંચાયતને અડધી રાત્રે ખોલવામાં આવી હોય અને ગામના સામાન્ય પરિવારને મરણનો દાખલો કાઢી આપવામાં મદદરૂપ થયા હોય.

વૃદ્ધાનું કુદરતી રીતે મૃત્યુ થયુ હતું

ઉમરગામ તાલુકાના ભિલાડ ગામના ઇન્ડિયા પાડા ખાતે રહેતા દેવરામ પુકારામ ચૌધરીની માતાનું 9મી જૂન 2022ના રોજ રાત્રે 8:30 કલાકે કુદરતી રીતે મૃત્યુ થયું હતું. પરિવારે ઘટનાની જાણ થતાં નજીકથી તબીબને બોલાવી ચેક કરાવતા તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. રાજસ્થાન ખાતે આવેલા બિલાવાસ પાલી ખાતે માતાને અંતિમ ક્રિયા કરવા લઈ જવાના હોવાથી દીકરો દેવારામ મુંઝવણમાં મુકાયો હતો. દેવારામે ભિલાડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિનો સંપર્ક કરી માતાના મૃત્યુનો દાખલો તાત્કાલીક કાઢી આપવા વિનંતી કરી હતી. તલાટી મુકેશભાઈએ DDO અને કલકેટરનું માર્ગદર્શન મેળવીને તાત્કાલિક પંચાયત કચેરી ખોલાવી દેવારામ પાસે એક અરજી મેળવી ગણતરીની મિનિટોમાં દેવારામ ચૌધરીને તેની માતાનું તેમના ઘરે કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનો દાખલો કાઢી આપ્યો હતો. જેથી દેવારામથી સમયસર તેમની માતાને રાજસ્થાન ખાતે લઈ જઈ અંતિમ ક્રિયા કરી શક્યા હતા.

અંતિમ ક્રિયા માટે તાત્કાલિક રાજસ્થાન જવાનું હતું

દેવારામ ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે 8:30 કલાકે તેની માતાને નજીકના તબીબી મૃત જાહેર કર્યા હતા. રાત પડી ગઈ હોવાથી પંચાયત કચેરી પણ બંધ થઈ ગઈ હતી. માતાની અંતિમ ક્રિયા માટે તાત્કાલિક રાજસ્થાન જવાનું હોવાથી મરણનો દાખલો ફરજિયાત જોઈ તો હતો. જેથી ભિલાડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે સંવેદન સીલતા દર્શાવી દાખલો કાઢી આપ્યો હતો.

અરજી લઈ જરૂરી દસ્તાવેજી કાગળો તપાસી દાખલો અપાયો

તલાટીએ DDO મનીષ ગુરવાનીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વલસાડ જિલ્લા કલક્ટર અને DDOના માર્ગદશન હેઠળ દેવારામને ગ્રામપંચાયત કચેરી ખાતે ડૉક્ટરનો દાખલો લઈને આવવા જણાવી તકેદારીના ભાગ રૂપે દેવારામ પાસે એક અરજી લઈ જરૂરી દસ્તાવેજી કાગળો તપાસી દેવારામની માતાની અંતિમ ક્રિયા કરવા રાજસ્થાન સુધી જવાનું હોવાથી તાત્કાલિક મૃત્યુનો દાખલો કઢાવી આપ્યો હતો. ગામના લોકોનો જરૂર પડે ત્યારે અડધી રાત્રે પણ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને DDO મનીષ ગુરવાની કામ કરતા રહેશે તેમ ભિલાડ ગ્રામ પંચાયતના તલાટી મુકેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...