વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હવે એક જ માસ પછી જાન્યુઆરી 2023થી પાલિકાઓની ચૂંટણીનો ગરમાટો વલસાડ,પારડી અને ધરમપુરમાં જોવા મળશે.વલસાડ,ધરમપુર અને પારડી તાલુકા મથકોએ આવેલી નગરપાલિકાની ચૂંટણી 2018માં થઇ હતી.
આ ત્રણે નગરપાલિકાઓમાં ભાજપનું શાસન ચાલી આવ્યું છે.વલસાડ,પારડી અને ધરમપુર પાલિકા હદ વિસ્તારમાં ભાજપ શાસકો દ્વારા વહીવટ કરી જે તે વર્ષના કામો તબક્કાવાર હાથ ધર્યા હતા.આ સાથે શહેરના કામો જે હજી બાકી રહ્યા હોય તેવા કામો માટે સામાન્ય સભાઓમાં કામો મંજૂર કરવાની કાર્યવાહી કરી છે. 5 બેઠકોની ચૂંટણીનું જાહેરનામુ નવેમ્બરમાં જાહેર થતા આચારસંહિતા લાગૂ થઇ જતાં રસ્તા,પાણી,વરસાદી પાણીની ગટર,ડ્રેનેજ લાઇન સહિતના નવા કામો અટકી પડ્યા હતા. આપ પાર્ટીના કારણે ચૂંટણી રસપ્રદ બની રહેવાના એધાણ વર્તાઇ રહ્યા છે.
બાકી કામો ટૂકી મુદ્દતમાં પૂર્ણ કરવાનો પડકાર
વલસાડ પાલિકા દ્વારા હવે ચૂંટણી નજીક છે ત્યારે વિધાનસભાની ચૂંટમી જાહેર થઇ તે પહેલા જે કામો બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યા હતા તે કામો હાથ પર લઇ જાન્યુઆરી પ્રથમ સપ્તાહના અંત સુધીમાં જ પૂર્ણ કરી દેવા માટેનો પડકાર રહેશે.જો કે આ અંગે વિપક્ષે ચાર માસ અગાઉ બોર્ડમા રજૂઆતો કરી વિધાનસભાની ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેમાં મહદઅંશે શાસકોએ કામો મંજૂર કરી દીધાં હતા.
પારડીમાં દાવેદારોની સંખ્યા ચૂંટણી ટાણે વધશે
પારડી પાલિકામાં 2018ની ચૂંટણીમાં ભારે કશ્મકશ રહી હતી.અને ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો હતો.જેને લઇ આ વખતે ભાજપ દ્વારા વધુ એડી ચોટીનું જોર લગાવવામાં આવશે તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી.બીજી તરફ કોંગ્રેસ પણ પારડીમાં કોંગ્રેસના ગત ચૂંટણીમાં પ્રદર્શનને જોતાં નગરપાલિકાની ચૂંટણીમાં પારડી શહેર સંગઠન પાછીપાની કરે તેવુ જણાતું નથી. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 6માં ઉમેદવારોની સંખ્યા વધુ છે. અત્યારથી નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ પાલિકામાં નો-રિપીટેશનની થીયરી ભાજપ અપનાવશે એવી પણ ચર્ચા ચાલી રહી છે.
સમય ઓછો છેે,પાલિકામાં ચૂંટણી લડવા હવે રાજકીય ચહલપહલ
વલસાડ,ધરમપુર અને પારડીમાં પાલિકાના ભાજપના શાસકો બાકી રહેલા કામો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.આ ચૂંટણીઓ આવે તે પહેલા તમામ આગોતરી તૈયારી રૂપે કામો પૂર્ણ થાય તેવુ આયોજન કરવા માટે કમર કસવામાં આવશે.જેને લઇ વિધાનસભાની ચૂંટણી બાદ હવે જાન્યુઆરી-2023થી જ પાલિકાઓમાં ચૂંટણીનો માહોલ ધમધમાટ જારી રહેશે.
ધરમપુરમાં ડિસેમ્બરના અંતમાં માહોલ ગરમાશે
ધરમપુરની પાલિકામાં હાલમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. નાનું મથક હોવા છતાં રાજકીય રીતે ધરમપુર મહત્વનું રહ્યું છે. શહેર ભાજપ સંગઠન દ્વારા કામો હાથ ધરવા અને ટૂંક સમયમાં તે પૂર્ણ કરી દેવા તત્પર બન્યા છે.ડિસેમ્બરના બાકીના દિવસોમાં બાકી કાર્યવાહી પૂર્ણ કરી જાન્યુઆરીમાં શહેરીજનોના જે કામો રહેશે તેને પૂરાં કરવા તૈયારી શરૂ કરાઇ છે.કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારો માટે મનોમંથન કરવાની કવાયત હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.