તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજે રસી મુકાવા જશો નહિં, ડોઝ ન મળવાથી વેક્સિનેશનમાં બ્રેક

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લાના 140 કેન્દ્ર ઉપર રસીકરણ બંધ રહેશે: તંત્ર

વલસાડ જિલ્લામાં 28 જૂન 2021ના રોજ કોવિશીલ્ડ વેક્સિનેશનના કાર્યક્રમ ઉપર રોક લગાવી દેવામાં આવી છે. જિલ્લામાં 18 પ્લસથી લઇ 45 પ્લસના તમામ લાભાર્થીઓની ભારે ભીડ વચ્ચે જથ્થો માગ કરતા ઓછો મળી રહ્યો હતો. તેમાં વળી કોવિશીલ્ટ વેક્સિનેશન કાર્યક્રમ મુલતવી રાખતા લાભાર્થીઓને સોમવારે વેક્સિનથી વંચિત રહેવાની નોબત આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગને સોમવારના શિડ્યુલ માટે રસીનો જથ્થો ન ફાળ‌વાતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્ય સરકારે વિશ્વ યોગ દિન 21 જૂનથી સ્પોટ વેક્સિનેશનના ધોરણે રસી આપવાની મોટાપાયે જાહેરાત કરતા યુવાનોથી લઇ વયસ્કોમાં ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી ફેલાઇ ગઇ હતી. ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ ચાલૂ રાખવામાં આવ્યું હતું. દરમિયાન વલસાડ જિલ્લામાં 21 જૂને રાજ્ય સરકારે 14 હજારથી વધુ વેક્સિનનો જથ્થો ફાળવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે વેક્સિન માટે ભારે ધસારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગે ટાર્ગેટ કરતા પણ વધુ 108 ટકાની સિધ્ધિ મેળવી હતી.

પરંતુ આ સિધ્ધિ માત્ર એક દિવસ પૂરતી સાબિત થઇ હતી. કારણ કે જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામઅને કપરાડા મળી 6 તાલુકાના પીએચસી, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, જિલ્લાની પ્રાથમિક શાળાઓ મળી કુલ 140 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર 14 હજારના ટાર્ગેટ સામે 40 ટકા વેક્સિનનો જથ્થો ઓછો મળવા લાગ્યો હતો.

22 જૂનથી જ દૈનિક 5 થી 6 હજાર વેક્સિન 18 પ્લસ માટે અને દોઢ હજાર 45 પ્લસ, ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કરો, 60 પ્લસ માટે મળતો હતો. જેના કારણે 60 ટકાનું વેક્સિનેશન થઇ રહ્યું હતુ, તેમાં 28 જૂને વેક્સિનનો જથ્થો ન મળવાના સંકેત મળતાં જિલ્લા આરોગ્ય વિભાગે સોમવારે રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રસી કેન્દ્રો પર ન આવવા અનુરોધ કરાયો
જિલ્લા સીડીએચઓ ડો.અનિલ પટેલે જણાવ્યું કે,28 જૂને કોવિશીલ્ડ વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.જેથી તમામ લાભાર્થીઓને કોવિશીલ્ડ વેક્સિન સેશન સ્થળે રસી લેવા નહિ જવા માટે અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...