તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કોરોના પોઝીટીવ મહિલાની સફળ પ્રસુતિ કરાવતા વલસાડની સિવિલ હોસ્‍પિટલના ડોકટર્સ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસુતાની સારવાર કરવાની ખાનગી હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ ન થતાં વલસાડ સિવિલ હોસ્‍પિટલ વ્‍હારે આવી

કોરોનાએ વૈશ્વિક મહામારી બની ગઇ છે ત્‍યારે, અનેક ઘટનાઓ જોવા મળી રહી છે. ન સાંભળેલી, ન જોયેલી અને ન વિચારેલા પ્રસંગો બનતા જાય છે. ઘણા લોકોએ પોતાના સ્‍વજન ગુમાવ્‍યા છે, જ્‍યારે અનેક પરિવારોના સ્‍વજનોને ડોક્‍ટરોએ નવું જીવન બક્ષ્યું છે. આ કોરોનાની આપત્તિમાં દિવસ-રાત પોતાની ફરજ બજાવતા ડોક્‍ટર્સ દેવદૂત સાબિત થયા છે. ખાનગી હોસ્‍પિટલો રૂપિયા લઇને સારવાર આપે છે, પરંતુ સિવિલ હોસ્‍પિટલ એક એવું સ્‍થળ છે, જ્‍યાં ચોવીસ કલાક ગમે તેવી આપત્તિમાં કોઇ પણ પ્રકારના રોગથી પીડાતા દર્દીઓની નિઃશુલ્‍ક સેવા કરવા હંમેશા તત્‍પર હોય છે. સલામ છે, આવા વોરીયર્સ ડોકટર્સ અને તેમની ટીમને. ચાલો જાણીએ આ ઘટનાને.

વાત છે ચીખલી ખાતે રહેતી અને વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં પરિચારીકા તરીકે નોકરી કરતી ૨૯ વર્ષીય તૃષિકાબેન પટેલની. તેમના લગ્નને ચાર વર્ષ થયા હતા, પણ બાળક ન હતું. હાલના વર્ષમાં જ પ્રેગનન્‍સી રહેતાં વલસાડની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હતી. તૃષિકાબેનને પ્રસુતિની તારીખ એકદમ નજીક હતી. આવા સમયે તૃષિકાબેનને કોરોનાના સામાન્‍ય લક્ષણો દેખાતા તરત જ કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યો હતો. કોવિડ ટેસ્‍ટ પોઝીટીવ આવતા તૃષિકાબેનના પરિવાર ઉપર જાણે આભ ફાટવા જેવી ઘટના હતી. કારણ કે ચાર વર્ષે પારણું બંધાયું હતું અને નવા મહેમાનની આવવાની ખુશીના માહોલ પહેલા કોરોનાએ દસ્‍તક આપી હતી.

આવી પરિસ્‍થિતિમાં તૃષિકાબેને જયાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર ચાલતી હતી ત્‍યાં ફોન કરી જાણ કરી કે, મારી ડીલીવરીની તારીખ નજીક છે. પરંતુ મને કોરોના પોઝીટીવ છે, તો સિઝીરીયન કરી પ્રસુતિ કરાવી આપો. કોરોના પોઝીટીવની વાત સાંભળી ખાનગી હોસ્‍પિટલના ડોકટરે કોરોના દર્દીની સારવારની સગવડ ઉપલબ્‍ધ ન હોઇ, આવા સંજોગોમાં અહીં સારવાર આપી શકાય તેમ ન હોવાનું જણાવ્‍યું હતું.

તૃષિકાબેને સમય વેડફયા વગર સિવિલ હોસ્‍પિટલના ડોકટર્સનો સંપર્ક કરી સિઝિરીયનથી પ્રસુતિ કરાવી આપવા આજીજી કરી હતી. સિવિલનાસ્ત્રી રોગ વિભાગના પ્રાધ્‍યાપક ડો.પ્રતિક્ષા ચૌધરી અને સીનિયર રેસીડન્‍ટ ડો. હિરલ મિષાીએ સગર્ભાની તબીબી તપાસ કરી સાંત્‍વના આપી હતી. તબીબી તપાસમાં તૃષિકાબેનના તમામ રીપોર્ટ નોર્મલ આવ્‍યા હતા. તા. ૬ઠ્ઠી મે,૨૦૨૧ના રોજ નોર્મલ ડીલીવરી કરાવી હતી. તૃષિકાબેને ૩.૧૬૦ કિલો વજન ધરાવતી સ્‍વસ્‍થ બાળકીને જન્‍મ આપ્‍યો છે. નવજાત બાળકીનો કોવિડ ટેસ્‍ટ પણ નેગેટીવ આવ્‍યો છે. હાલ માતા અને બાળક સંપૂર્ણ સ્‍વસ્‍થ છે. તેઓ હોસ્‍પિટલમાંથી રજા લઇને હોમ આઇસોલેટ થનાર છે.

તૃષિકાબેન વલસાડની સિવિલ હોસ્‍પિટલના તબીબોનો આભાર માનતાં જણાવે છે કે, મારા જીવનમાં ખુશીના પ્રસંગે આવી પડેલી કપરી પરિસ્‍થિતિના સમયે સિવિલ હોસ્‍પિટલે મને ખુશીઓની ઝોળી ભરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...