MCMC સમિતિ કાર્યરત:વલસાડમાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઈડ ન્યૂઝ અને જાહેરાતો પર જિલ્લા સ્તરે નજર રખાશે

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યનાં પ્રત્યેક જિલ્લામાં માધ્યમ પ્રમાણીકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ (Media Certification and Monitoring Committee(MCMC) ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતી પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાતો જેવી બાબતો ઉપર 6 સભ્યોની બનેલી MCMC કમિટી બાજ નજર રાખી તેનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવાની કામગીરી કરી રહી છે.

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતે કાર્યરત આ કમિટી બે પ્રકારની મુખ્ય કામગીરી કરી રહી છે. કમિટી દ્વારા રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મિડીયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણીકરણ તથા પેઈડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમિતિ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ માધ્યમો સંબંધી વિનિયમોનો અમલ કરાવવામાં પણ સહાયભૂત બનશે. જિલ્લાની એમ.સી.એમ.સી.ના પેઈડ ન્યુઝના તમામ કેસોની તપાસફના સંદર્ભમાં ઉમેદવારોને નોટિસ ઈસ્યુ કરવાની સૂચનાઓ આપશે.

વલસાડ જિલ્લાની MCMC કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રે, સભ્ય સચિવ તરીકે જિલ્લા માહિતી કચેરી-વલસાડના નાયબ માહિતી નિયામક યજ્ઞેશગીરી ગોસાઈ, સભ્ય તરીકે વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, અન્ય સભ્ય તરીકે વલસાડ આકાશવાણી કેન્દ્રના નવીન પટેલ, વલસાડ દૂરદર્શનના પ્રતિનિધી અંકુર પટેલ અને સોશિયલ મીડિયા એક્સપર્ટ તરીકે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.ચૌધરી તરીકે એમ કુલ 6 સભ્યો ફરજ નિભાવી રહ્યા છે.

રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ નજર રાખવા માટે જિલ્લા કક્ષાએ બે ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર (EMMC)ની પણ રચના કરવામાં આવી છે. રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુલ રેકોર્ડિંગ અને ચેનલોના સતત મોનિટરીંગની કામગીરી આ સેન્ટરમાં થઈ રહી છે. રાજકીય પક્ષોએ રેડિયો, ટેલિવિઝનમાં જાહેરાત આપતા પહેલા આ કમિટી પાસે પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...