વલસાડમાં એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટ અને ટ્રસ્ટની દૂકાનોના ભાડા મુદ્દે વિવાદ સર્જાયો છે. આ મામલે પાલિકા સીઓને રજૂઆતો કરી દાદ માગતા આ મુદ્દે તપાસનો વિષય બન્યો છે.વલસાડ શહેરમાં બેચર રોડ ઉપર આવેલી ફાતિમા મસ્જિદ,એસટી ડેપો એરિયા સુન્ની મુસ્લિમ જમાત ટ્રસ્ટની દૂકાનોના ભાડા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં સભ્યો અને આ એરિયાના મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહીદ દરિયાઇ,પાલિકા સભ્ય ઝાકિર પઠાણ, ઇમ્તિયાઝ કાઝી, એડવોકેટ અકીબ મલેક, ગુલામભાઇ મલેક, મકબુલ મલેક,હનીફ ગુલામ મલેક સહિત રહીશોની સહિ સાથે સીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ટ્રસ્ટની મિલકત હોય અને જો ભાડૂઆત હોય તો તેમને વકફ અધિનિયમ મુજબ ટ્રસ્ટ સાથે 11 માસનો ભાડા કરાર કરવો અને જો 11 મહિનાથી વધારે ભાડા કરાર કરવાનું હોય તો સબરજિસ્ટ્રાર કચેરી ખાતે રજિસ્ટર્ડ કરવાનું વકફ અધિનિયમમાં સ્પષ્ટ જણાવેલું છે.
પાલિકામાંથી વ્યવસાય લાયસન્સ અને ઇન્ટિમેશન રિસિપ્ટ મેળવવી ફરજિયાત છે,જેમાં જરૂરી પૂરાવામાં ટ્રસ્ટ સાથેનો ભાડા કરાર,ટ્રસ્ટનું સમંતિપત્ર, ભાડૂતનું વેરિફિકેશન કરાવવું ફરજિયાતપણ પાલિકા દ્વારા માગવામાં આવે છે જેથી આ કાર્યવાહી પાલિકા દ્વારા કરાઇ છે કે નહિ તેની તપાસ કરવા ટ્રસ્ટના સભ્યો અને રહીશો દ્વારા સીઓ સંજય સોનીને રજૂઆતો કરાઇ છે.
બીજી તરફ ટ્રસ્ટની મિલકતના ભાડૂઆત દૂકાનદારોએ સીઓને રજૂઆત કરતા જણાવ્યું છે કે,આ સંસ્થા વકફ સંસ્થા છે અને નિભાવ માટે વકફ બોર્ડ અમલમાં છે.વકફ બોર્ડમાં મસ્જિદ ટ્રસ્ટીઓના નામો અંગેનું બોર્ડનું પ્રમાણપત્ર છે,તે જોઇને આ જે રજૂઆતો થઇ છે,તેમાં સંસ્થાના પ્રમુખ અથવા કોઇ હોદ્દેદારનો પૂરાવો માગી કાર્યવાહી કરવા રજૂઆતો કરાતાં મામલો વિવાદે ચઢ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.