વલસાડ જિલ્લામાં 20 જૂને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યાના બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે જિલ્લામાં ધરમપુર અને કપરાડામાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો.જેમાં ધરમપુર તાલુકામાં દોઢ ઇંચ અને કપરાડા તાલુકામાં પોણો 1 ઇંચ વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના કામે ખેડૂતો જોતરાઇ રહ્યા છે. સોમવારે ઉમરગામમાં 9 ઇંચ વરસાદ સાથે જિલ્લામાં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ શુક્ર, શનિ અને રવિવારે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ચાલૂ વર્ષે ચોમાસું 11 જૂને બેસી ગયા બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ શરૂ થઇ ગયો હતો.વચ્ચેના દિવસોમાં સ્વચ્છ વાતાવરણ રહ્યા બાદ 20 જૂને જિલ્લામાં ધોધમાર વરસાદ ઝિંકાયો હતો.જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 9.5 ઇંચ મૂશળધાર વરસાદ વરસ્યો હતો.આ ઉપરાંત વલસાડ,વાપી,પારડી તાલુકાઓમાં પણ દેમાર વરસાદ પડતાં શહેરી વિસ્તારોમાં જળબંબાકારના દશ્યો સર્જાયા હતા.
મેઘરાજાના આક્રમક મિજાજ બાદ બે દિવસ પછી 22 જૂનેમળસ્કે ધરમપુર કપરાડામાં વાદળો ઘેરાતા ફરી વાતાવરણમાં ફેરફાર થવા સાથે સવારે 6થી સાંજે 6 વાગ્યા દરમિયાન ધરમપુર તાલુકામાં 1.5 ઇંચ અને કપરાડા તાલુકામાં પોણો ઇંચ વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આ સાથે ડાંગરનો પાક લેતાં ખેડૂતો ખેતીની આગોતરી કામગીરીમાં વધુ સક્રિયતાથી જોતરાઇ ગયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24થી લઇને 26 જૂન સુધી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે એમ છે. દાનહ વહીવટી તંત્ર દ્વારા આ ત્રણ દિવસમાં સાવચેતી રાખવાના આદેશ કરાયા છે.
બુધવારે વરસાદ
તાલુકો વરસાદ
કપરાડા 18 મિમિ
ધરમપુર 40 મિમિ
મોસમનો વરસાદ
તાલુકો વરસાદ
ઉમરગામ 301
કપરાડા 146
ધરમપુર 89
પારડી 100
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.