લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી:ગુજરાતની પ્રથમ ઘટના, વલસાડમાં રાત્રિ કફર્યૂ દરમિયાન લગ્ન પતાવી ઘરે જઈ રહેલાં દુલ્હા-દુલ્હન સહિત પરિવારજનોની અટકાયત

વલસાડ4 મહિનો પહેલા
  • રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીએ લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો
  • સમગ્ર મામલામાં માનવીય અભિગમ દાખવાયો છે કે નહીં તે મામલે તપાસના આદેશ અપાયા

વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી છે. વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીને લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલાં નવદંપતી અને તેનાં પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. માધ્યમમાં અહેવાલો બાદ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલામાં માનવીય અભિગમ દાખવાયો છે કે નહીં તે મામલે ડીવાયએસપીને તપાસ સોંપી છે.

આ પ્રકારની કડક કાર્યવાહીની ગુજરાતની પ્રથમ ઘટના
પોલીસ લગ્નપ્રસંગની ગાઈડલાઈન્સનો જ્યારે ભંગ થાય ત્યારે સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનનાં પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે. દુલ્હા અને દુલ્હન સામે માનવતાને ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી, પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યાં નહોતાં. તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી
વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીને કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલાં નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ
લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારાથી થોડું મોડું થઈ જતાં અમે માફી માગી હતી. અમારાં પરિવારજનોએ કહ્યું હતું કે કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો, પરંતુ પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે, જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગતિ કરવામાં આવે છે.

નવદંપતી સહિત પરિવારજનો સામે થયેલી કાર્યવાહી મામલે તપાસના આદેશ
નાઈટ કરફ્યુ દરમ્યાન ગત રાત્રીના ઓવર બ્રિજ પાસે નવદંપતીને અને સાસરિયાઓને અટકાવ્યા હતા. વલસાડ ઇન્ચાર્જ સીટી પીઆઇએ નાઈટ કરફ્યુનો ભંગ કરતા ઝડપી પાડયા હતા. 3 કારમાં નવદંપતી સહિત 9 વ્યક્તિઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ સીટી પોલીસે પ્રાથમિક કાર્યવાહી કર્યા બાદ નોટિસ આપીને છોડી મુકવામાં આવ્યા હતા.

દિવસ દરમ્યાન પરિવારના સભ્યોને નિવેદનો મીડિયામાં પ્રસિદ્ધ થાય બાદ વલસાડ SPએ DySP મનોજ શર્માને 24 કલાકમાં તપાસ કરવા આદેશ આપ્યા છે. રેન્જ DG સહિત SPએ જિલ્લામાં પોલીસ જવાનોને નાઈટ કરફ્યુ કે ડ્યુટી દરમ્યાન માનવીય અભિગમ દાખવવા સૂચનાઓ આપવામાં આવી છે. આજે વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાના તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ સાથે વીડિયો કોન્ફ્રાન્સના માધ્યમથી મીટિંગ કરીને તમામ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા SPએ DySPને તપાસ સોપીને ગત રાત્રીએ થયેલી કાર્યવાહીમાં માનવીય અભિગમ દાખવ્યો છે કે નહીં તે તપાસ ના આદેશ આપ્યા છે. પરિવારના સભ્યો દ્વારા પોલીસ અધિકારી ઉપર લગાવવામાં આવેલા આક્ષેપ કેટલા સાચા છે જે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

પીઆઇ જાડેજા અને પોલીસકર્મીઓ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ
પોલીસે લગ્નમાંથી આવી રહેલા પરિવારજનો અને વરરાજા સામે નાઇટ કર્ફ્યુ ભંગ મામલે 9 જણા સામે ફરિયાદ દાખલ કરી હતી.જેમાં વરરાજા પિયુષ મનોજભાઇ પટેલ,સોનલબેન પિયુષભાઇ પટેલ,ઇલાબેન મનોજભાઇ પટેલ,મનોજભાઇ મંગુભાઇ પટેલ,વિકાસ કુમાર રાજેશભાઇ પટેલ,રાજેશભાઇ મંગુભાઇ પટેલ,મીરાબેન રાજેશભાઇ પટેલ,દિક્ષીતાબેન વિકાસકુમાર પટેલને પોલીસ મથકે લઇ જઇ કલાકો સુધી પોલીસ મથકમાં જ બેસાડી રાખ્યા હતા.

પોલીસ અધિકારીએ બેહુદુ વર્તન કર્યું
મારા ભાઇના પુત્રના લગ્ન હતા અને છોકરીવાળાને ત્યાં પણ બે લગ્ન હતા.જેથી લગ્નવિધિમાં મોડું થઇ ગયું હતું. વલસાડ ઓવરબ્રિજ પર પોલીસે રોકી અમારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું.પીઆઇ જાડેજાએ ક્યાં ગયા હતા,કર્ફયુનો ભંગ કર્યો છે,ગધેડાઓ આટલા વાગ્યે નિકળ્યા છો કહી ગાડીને ઝપેટો માર્યો હતો.અમને નિકળતા મોડુ થઇ ગયું હતું.હું પણ પાલિકાનો માજી પ્રમુખ છું અને કાયદાનું પાલન કરવામાં માનીએ છીએ. પોલીસના વર્તનથી કન્યા પણ ગભરાઇ ગઇ હતી. > રાજેશ પટેલ (મરચાં),પાલિકા માજી પ્રમુખ,વલસાડ

​​​​​​​રાત્રે 2.30 વાગ્યા સુધી બેસાડી રાખ્યાં
​​​​​​​અમે 12.30 વાગ્યે લગ્નપ્રસંગ પતાવી કન્યા અને પરિવાર સાથે ઘરે જઇ રહ્યા હતા ત્યારે પોલીસે ઓવરબ્રિજ પાસે અટકાવ્યા હતા. અમે લગ્ન પતાવી ઘરે જઇ રહ્યા છીએ તેવું કહેતા પોલીસે આ લોકોને નવા ઘરે લઇ જાઓ તેમણે કાયદાનો ભંગ કર્યો છે,ગધેડા છો તેવા પ્રકારે વર્તન કરી ગાડીમાં ફટકો માર્યો અને પોલીસ મથકે લઇ જઇ રાત્રે 2.30 વાગ્યા સુધી પોલીસ મથકની કેબિનમાં બેસાડી રાખી બાદમાં છોડ્યા હતા. > પિયુષ પટેલ,વરરાજા

અન્ય સમાચારો પણ છે...