રજૂઆત:વલસાડના આરોગ્યના આઉટસોર્સિંગ કર્મીઓને બોનસ,પગાર ચૂકવવા માગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કમિશ્નરના આદેશનો અમલ કરવા કર્મીઓની રજૂઆત

વલસાડ જિલ્લામાં દરેક તાલુકાઓમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત શાખાઓમાં 900થી વધુ આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓને સરકાર દ્વારા નિયુક્ત એજન્સી મારફત પગાર સહિતની રકમ ચૂકવવામાં આવે છે.જો કે દિવાળી પહેલા આ કર્મચારીઓને બોનસ અને પગારની ચૂકવણી કરી દેવામાં આવે તો કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવતા આ આઉટસોર્સિંગ કર્મચારીઓના પરિવારજનો,બાળ બચ્ચાંઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તેમ છે.

આ સંવેદનશીલ બાબતને ધ્યાને લઇ કર્મચારીઓનાં સંગઠન ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામાં આવી છે.જેમાં દિવાળી પહેલા આઉટસોર્સિંગ કર્મચારીઓને બોનસ અને પગાર ચૂકવી દેવા ઘા નાંખવામાં આવી છે.મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આ કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ દિવાળી ઉજવી શકે તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું.

કમિશ્નરે પરિપત્ર પાઠવી સૂચના આપી હતી
26 જૂલાઇ 2021ના રોજ આરોગ્ય કમિશનરે એજન્સીઓને આપેલા પરિપત્રમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ,રજા પગાર,લીવ ઓન કેશના નાણાં કર્મચારીઓને ચૂકવવાના રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.જેને ધ્યાને લઇ આઉટ સોર્સિંગ કર્મીઓને ચૂકવણું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.દિવાળીને હવે ગણતરીના દિન બાકી છે ત્યારે એજન્સી મારફત કર્મચારીઓને નાણાં મળી જાય તેવી રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...