વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. તેના પતિએ જ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મહિલાની પુત્રીએ પોતાના પિતાએ જ માતાની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. દારૂ પીવાની ના પડતા પત્નીની હત્યા કરી હોવાની શક્યતા છે. જેને લઈ પરિવારના 4 પુત્ર અને પુત્રીઓએ માતાનો છાયો ગુમાવ્યો હતો. આ ઘટનાની કડૈયા પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના કડૈયા વિસ્તારમાં આવેલા ઈન્ટેક્ટ કંપનીના રૂમમાં છેલ્લા 4 વર્ષથી રામજીત નામનો વ્યક્તિ પોતાની પત્ની અને દિકરા-દિકરીઓ સાથે રહેતો હતો. રામજીતને છેલ્લા ઘણા સમયથી છૂટક કામકાજ કરવાની સાથે દારૂ પીવાની લતે ચઢી ગયો હતો. કોઈને કોઈ વાતને લઈ વારંવાર પત્ની અને દીકરાઓ સાથે ઝઘડા કરતો હતો. ત્યારે રવિવારની મોડી રાત્રે રામજીત પત્ની સુનિતા સાથે બહાર ફરવા અર્થે ગયો હતો. જ્યાં તેઓ મોડી રાત થયા બાદ પણ ઘરે પરત ન ફરતા ઘરમાં દિકરીઓ ચિંતાતુર થઈ હતી.
આ દરમિયાન દીકરીઓએ માતાની શોધખોળ આદરી હતી. ત્યારે ઈન્ટેક્ટ કંપની પાસેની એક અવાવરૂ જગ્યા પાસેની દિવાલને અડીને એક મહિલા સુતેલી જોવા મળી હતી. જ્યાં દિકરીએ તપાસ કરતા તેની માતા સુનિતા જ હોવાનું ખુલ્યું હતું. તેણીના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર માર માર્યો હોવાનું જણાતા આ કામ કોઈ અન્ય નહીં પણ તેના પિતા રામજીતે જ કરી હોવાનો દિકરીએ આક્ષેપ કરી આ અંગે કડૈયા પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસની એક ટીમ મોડી રાત્રીએ જગ્યા સ્થળ પર જઈ જરૂરી તપાસ કરી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 22 વર્ષના લગ્ન જીવનનો આખરે આ રીતે કરૂણ અંજામ આવતા હાલ 4 દિકરા દિકરીઓ પરથી માતાનો છાયો છિનવાયો છે. હાલ પોલીસે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.