જીવલેણ અકસ્માતના હચમચાવી દેતા CCTV:મોપેડ લઈને રોડ પર ઊભેલાં દંપતીને ક્રેને ઉછાળ્યાં, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયાં, મહિલાનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડથી એક જીવલેણ અકસ્માતના હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે, જેમાં રસ્તા પર મોપેડ લઈને ઊભેલાં દંપતીને અચાનક યમદૂત બનીને આવેલા ક્રેને અડફેટે લઈ ઉછાળ્યાં હતાં, જેથી બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. એને લઈ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં મહિલાનું મોત થયું છે.

મૃતક મહિલા
મૃતક મહિલા

ક્રેનચાલક અકસ્માત સર્જી ફરાર થયો
વલસાડમાં મોપેડ ઉપર ઘરે પરત ફરી રહેલાં દંપતીને અકસ્માત નડ્યો હતો. ધરમપુર ચોકડી પાસે કોઈક કારણથી આ દંપતી ઊભાં હતાં. આ દરમિયાન અચાનક એક ક્રેનચાલકે આ દંપતીને અડફેટે લીધાં હતાં, જેથી અકસ્માત સર્જાયો હતો. એને પગલે સ્થાનિક લોકો અને રાહદારીએ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108ની મદદ લઈને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત થયું હતું તેમજ ક્રેનચાલક પણ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

મોપેડ પર ઊભેલા દંપતીને અડફેટે લીધાં
વલસાડ તાલુકાના ધરાસણા ખાતે રહેતા રામુભાઈ ગોપાળભાઈ પટેલ તેમની પત્ની પ્રવીણાબેન સાથે મોપેડ લઈને ગાડરિયા ખાતે રહેતાં બહેનનાં સાસુ પાલીબેનને મળવા ગયા હતા. તેમને મળી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈ કામથી ધરમપુર ચોકડી પાસે મોપેડ પર દંપતી ઊભાં હતાં. ત્યારે અચાનક ક્રેનની અડફેટે આવી જતાં તેઓ અકસ્માતનો ભોગ બન્યાં હતાં, જેમાં બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. બીજી તરફ, ક્રેનનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

સારવાર દરમિયાન મહિલાનું મોત
આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સીટી પોલીસની ટીમને કરી હતી તેમજ 108 મારફત ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં દંપતી પૈકી પ્રવીણાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે રામુભાઈની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે વલસાડ સિટી પોલીસ મથકે રામુભાઈના નાનાભાઈ પરેશભાઈ પટેલે ક્રેનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દસ દિવસ પહેલાં અમદાવાદમાં તેમજ 8 દિવસ પહેલાં સુરતમાં પણ જીવલેણ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા.

અમદાવાદમાં તરબૂચ ફૂટે એવી રીતે યુવકનું માથું ફૂટ્યું
અમદાવાદના રસ્તાઓ પર ભારે વાહનો યમદૂત બનીને દોડી રહ્યાં છે, જેને કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે. એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે શહેરના રખિયાલ વિસ્તારમાં સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે એક 35 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો, જેમાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમાં ટ્રકની અડફેટે યુવક ફંગોળાતો દેખાય છે, જ્યારે ટ્રકના ટાયરમાં તેનું માથું આવી ગયું હતું. તેનું માથું જાણે તરબૂચ ફૂટે એવી રીતે ફાટી ગયું હતું.

સુરતમાં કાકની કાર નીચે ભત્રીજી કચડાઈ
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક કરુણ ઘટના સામે આવી હતી, જ્યાં કાકાની કારની નીચે બે વર્ષીય તેની ભત્રીજી આવી જતાં મોતને ભેટી છે. ઘરઆંગણે બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. એ વેળાએ કૌટુંબિક કાકાની જ કારની નીચે બાળકી કચડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...