વલસાડ કોરોના LIVE:વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે 387 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 2037 પર પહોંચ્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વલસાડ તાલુકામાં કોરોનાના 192 કેસ નોંધાયા, 217 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • અબ્રામા ખાતે રહેતા 92 વર્ષીય વૃદ્ધ અને પારડી ખાતે રહેતા 32 વર્ષીય યુવકને કોરોના ભરખી ગયો

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 200થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 1,869 પર પહોંચ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 387 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 192, પારડી 60, વાપી 66, ઉમરગામ 25, ધરમપુર 23 અને કપરાડા તાલુકામાંથી 21, મળી વલસાડ જિલ્લામાંથી 387 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 217 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 387 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2037 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 4 લાખ 08 હજાર 981 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 99 હજાર 272 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 9 હજાર 709 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 7 હજાર 198 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 79 હજાર 796 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 36 હજાર 153 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 1,068 એક્ટિવ, પારડી તાલુકાના 209 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 486 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 125 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 105 અને કપરાડા તાલુકામાં 44 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 9 હજાર 709 સંક્રમિત કેસ સામે 7 હજાર 198 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં 24 નવા કેસ અને 15 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, 129 એક્ટિવ કેસ દાદરા નગર અવેલીના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે દમણ ખાતે 14 નવા કેસ નોંધાયા અને 12 દર્દીઓએ કોરોનાને માત આપી, 104 એક્ટિવ કેસ દમણ આરોગ્ય વિભાગ ખાતે નોંધાયા હતા. 10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત થતા અત્યાર સુધીમાં કુલ 21,933 લોકોએ બુસ્ટર ડોઝ લઈ ચુક્યા છે

વલસાડમાં કેસો વધતાં કલેકટર ક્ષિપ્રા અગ્રેએ ખુદ વલસાડ નજીકના ભાગડાવડામાં ગ્રીનપાર્ક વિસ્તારમાં ખુદ પહોંચી જઇ કોરોના દર્દીઓની જાણકારી લીધી હતી.તેમણે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા,મેડિકલ ઓફિસર ડો.સ્વાતિ પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.કમલ ચૌધરી સહિત સ્ટાફના કાફલા સાથે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.કલેકટરે કોરોના દર્દીઓની ઘરમાં આઇસોલેશન દરમિયાન તેમને કોઇના સંપર્કમાં ન આવે તેની સુવિધા ઘરમાં છે કે નહિ તેની વિગતો લીધી હતી.આવા ઘરોમાં આઇસોલેશન દરમિયાન અલગ રૂમ અને શૌચાલય વિગેરેની સુવિધા છે કે કેમ તેવા પ્રશ્નો પણ કલેકટરે આરોગ્ય અધિકારીઓને પૂછ્યા હતા.

કોરોનાનું સંક્રમણ વધતા પોલીસે લગ્નપ્રસંગોમાં ચેકીંગ હાથ ધર્યું
વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી વલસાડ પોલીસની એક અલગ જ કામગીરી સામે આવી છે. વલસાડ સીટી પોલીસના PSI અને પોલીસ જવાનો દ્વારા લગ્નના આગલા દિવસે લગ્ન પ્રસંગના સ્થળ પર કોવિડ ગાઈડ લાઈનનું લગ્ન પ્રસંગ ચુસ્ત પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. વલસાડ સીટી પોલીસ મથકના PSI અને પોલીએ જવાનોએ સૂચનાઓ આપીને લોકોને લગ્ન પ્રસંગ માં લગ્ન સ્થળે લગ્ન આયોજકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. લોકો ને કોવિડ ગાઈડલાઇન વિશે સમજણ આપી ગાઈડલાઇનનું પાલન કરવા વિનંતી કરી રહી છે અને ક્યાંક ગાઈડલાઇન નું પાલન ન થાય તો કડક પગલાં ભરવા પણ પોલીસ સતર્ક બની છે અને ચેકીંગ હાથ ધર્યું છે.

અન્ય સમાચારો પણ છે...