વિવાદ:વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીના જાહેરનામા મામલે વિવાદ સર્જાયો,સભાસદોમાં રોષ

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધારણ મુજબ 1 અઠવાડિયાના બદલે 48 કલાક પહેલા કાર્યક્રમ જાહેર કર્યો

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના નવા હોદ્દેદારોની આગામી 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે 7 ઓક્ટોબરથી ઉમેદવારી પત્રો સ્વીકારવા સહિતની પ્રક્રિયા અંગે નિયુક્ત કરાયેલા સંઘના ચૂંટણી અધ્યક્ષે ચૂંટણીનો કાર્યક્રમ માત્ર 48 કલાક પહેલા બહાર પાડતાં શિક્ષકઆલમમાં વિવાદ સર્જાયો છે.સંઘના બંધારણ મુજબ 1 અઠવાડિયા પહેલા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવો જોઇએ પરંતુ તેનાથી વિપરીત જઇ આ આ કાર્યક્રમની જાહેરાત કરાઇ હોવાની શિક્ષકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની 28 ઓગષ્ટ 2021ના રોજ મળેલી કારોબારીમાં જિ.પ્રા.શિ.સંઘના નવા હોદ્દેદારોની ચૂંટણી માટે ઉમેદવારી મંગાવવાનું નક્કી કર્યું હતું.જેમાં પ્રમુખ, કાર્યાધ્યક્ષ, ઉપ પ્રમુખ, મહામંત્રી, ખજાનચી, મંત્રી સહિત કુલ 6 હોદ્દેદારોની ચૂંટણી આગામી 17 ઓક્ટોબર 2021ના રોજ યોજવા અને તેના માટે 7 ઓક્ટોબર 2021ના રોજથી ઉમેદવારીપત્રો ભરવા સહિતની વિગતો સાથે ચૂંટણી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા નરેશભાઇ ગોંવિદભાઇ પટેલે ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડતા પ્રાથમિક શિક્ષક સંઘના સભાસદોમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.શિક્ષક સભાસદોમાં ઉઠેલી ચર્ચા મુજબ જિ.પ્રા.શિક્ષક સંઘના બંધારણ મુજબ ચૂંટણી કાર્યક્રમ દરેક સભાસદોને 1 અઠવાડિયા પહેલા મોકલવાનો હોય છે પરંતું ચૂંટણી અધ્યક્ષે કોના ઇશારે માત્ર 48 કલાક પહેલા આ કાર્યક્રમ જાહેર કર્યો છે તેવા આક્ષેપ સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે.

આ જાહેરનામામાં ચૂંટણી અધ્યક્ષનું સરનામુ લખાયું છે પણ તેમની સહિ નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.લોકશાહીના પર્વ સમાન શિક્ષક સંઘની ચૂંટણીઓ કઇવ રીતે નિષ્પક્ષ રીતે થઇ શકશે તેવો મુદ્દો ઉઠાવી નવા અધ્યક્ષની નિમણૂંક થ‌વી જોઇએ અને તત્કાલિન જાહેરનામુ બહાર પાડવું જોઇએ તેવી માગ ઉઠી રહી છે.

ચૂંટણી અધ્યક્ષ નિમ્યા એટલે ફરજ બજાવી છે
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવા કારોબારીએ નિર્ણય કરી ચૂંટણી અધ્યક્ષ તરીકે મારી નિયુક્તિ કરી અને જે જવાબદારી સોંપી તે બજાવી છે.સ્થળ સમય સહિતની વિગતોનો અહેવાલ પ્રમુખ મહામંત્રીએ પહોંચાડી દીધો હશે.મારી ફરજ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો લેવાની છે.હવે આ પ્રક્રિયા લીગલ છે કે કેમ તે બાબત તે સંંઘના પ્રમુખ મહામંત્રીના હેઠળ આવે છે,હું તો માત્ર મને સોંપાયેલી ફરજ હું બજાવી રહ્યો છું.> નરેશભાઇ પટેલ,ચૂંટણી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...