ચૂંટણીના લેખાજોખા:વલસાડ તાલુકાના 41 ગામના મત વિસ્તારો ધરમપુરની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2012થી છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી

વલસાડ તાલુકા વિધાનસભા મતવિસ્તારના સિમાંકન બાદ વલસાડ તાલુકાના પૂર્વ પટ્ટીના 41 ગામના મતવિસ્તારોનો સમાવેશ ધરમુપર વિધાનસભા મત વિભાગમાં થયો હતો.જેને લઇ 2012થી વિધાનસભા અને લોકસભાની યોજાયેલી ચૂંટણીઓમાં આ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.2017 સુધીમાં આ મત વિસ્તારોમાં ભાજપની સરસાઇ વધેલી જોવા મળી હતી.જેને લઇ આ વખતની ધરમપુર વિધાનસભાની ચૂંટણીમાં ધરમપુર તાલુકા હદ વિસ્તારને લાગૂ વલસાડના પૂર્વ પટ્ટીના 41 ગામના મત વિસ્તારો નિર્ણાયક પુરવાર થશે.

વલસાડના અગાઉ થયેલા સિમાંકનમાં પૂર્વ આદિવાસી પટ્ટીના 41 ગામ ધરમપુર વિધાનસભા મત વિભાગમાં સમાવેશ થયો હતો. દરમિયાન 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ ગામના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરિફાઇ થઇ હતી.આ ગામોમાં ભાજપ અને કોંગ્રેસના પરંપરાગત મતદારોને આકર્ષવાની હોડ ચાલૂ થઇ હતી.જો કે ધરમપુર વિધાનસભાની 2012ની ચૂંટણીમાં 41 ગામમાં થયેલા મતદાનમાં ભાજપ સામે કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી સરસાઇ અકબંધ રાખવામાં સફળતા મેળવી હતી. 2014ની લોકસભાની ચૂંટણી આવી હતી. ચૂંટણીમાં વલસાડ તાલુકાના આ ગામો કોંગ્રેસના મતોમાં ગાબડું પાડવામાં ભાજપને સફળતા પ્રાપ્ત થઇ હતી.

ધરમપુર તાલુકામાં ત્રિપાંખિયો જંગ
અંતરિયાળ ધરમપુર તાલુકાની વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત સ્પર્ધા વચ્ચે હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે.જેથી વલસાડ તાલુકામાંથી છુટા પડી ધરમપુર તાલુકા મતદાર વિભાગમાં સમાવિષ્ટ આ 41 ગામના મતો ખુબ જ નિર્ણાયક પૂરવાર થાય તેમ છે.ધરમપુર તાલુકામાં આપના કારણે જે કંઇ સંભવિત ડેમેજ છે તે 41 ગામમાંથી સરભર થઇ શકે તેમ રાજકીય પક્ષો ગણતરી માડી રહ્યા છે.

ભાજપ કોંગ્રેસનું તફાવત વધતું ગયું
2012ની ચૂંટણીમાં અહિં કોંગ્રેસને 5487 મતની સરસાઇ મળી હતી.બે વર્ષ બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 29565 અને કોંગ્રેસને સરસાઇ તૂટતાં 23677 મત મળ્યા હતા.જેને લઇ ભાજપને 5888 મતની લીડ મળી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને 13678 મતની સરસાઇ મળી હતી. 2012 પછી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સરસાઇની લડાઇ જારી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...