ફરિયાદ:શાહુડામાં દેવળ બનાવવાની હિલચાલ ધર્માંતરણના આક્ષેપો સાથે ફરિયાદ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોએ પોલીસમાં ફરિયાદ અરજી કરી
  • એસપી, કલેકટર અને સીએમને પણ ફરિયાદની નકલ રવાના કરી

વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા શાહુડા ગામે દેવળ (ચર્ચ)બનાવવાની હિલચાલ થઇ રહી હોવાની ફરિયાદ અરજી કપરાડા પોલીસ મથકના પીએસઆઇને કરી છે.જેમાં આદિવાસી ખ્રિસ્તી ઇસમો દ્વારા 20 જેટલા પરિવારોનું ધર્માંતર કરાવ્યું હોવાની આશંકા સાથે લેખિત આક્ષેપ ગ્રામપંચાયતના સરપંચ.ડે.સરપંચ અનેે 4 સભ્યએ કરતાં વાતાવરણ ગરમાયું છે.

કપરાડા તાલુકાના શાહુડા ગ્રામપંચાયતના સરપંચ રક્ષાબેન ચુનીલાલ ચૌધરી,ડેપ્યુટી સરપંચ રેશ્મીબેન રાજલ ચૌધરી,સભ્ય ભવાન શિવા તરવારી,જયશ્રીબેન ઇશ્વર ભૂસારા,લીલાબેન અમ્રત ચૌધરી અ્ને સંગીતાબેન તુકારામ ભુસારાની સહિ સાથે કપરાડા પોલીસ મથકમાં પીએસઆઇનેેે ઉદ્દેશી આપેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ગામમાં કેટલાક તત્વો દ્વારા શાંતિ સુલેહનો ભંગ થાય તેવી કામગીરી ચાલી રહી છે.

વધુમાં ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવાયું છે કે,ગામમાં એક પણ ખ્રિસ્તી નથી છતાં પણ સરસમાળના ખ્રસ્તી આગેવાનના માર્ગદર્શન હેઠળ ચેંદરભાઇની જગ્યામાં કોઇપણ જાતની પરવાનગી વિના ચર્ચ બનાવવાનું ચાલૂ કરવાના છે. સરપંચે અને પંચાયતના સભ્યોની ફરિયાદમાં ચેંદરભાઇ જંગલ ખાતામાં વોચમેનની ફરજ બજાવે છે અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.ખ્રિસ્તી ધર્મ પાળ‌વા માટે કે બાપ્ટિસ કરવા આજ સુધી કલેકટરની પરમિશન લીધી નથી તેવો આક્ષેપ કરી તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

ગામના 4 આવા ઇસમોએ ગેરકાયદે મંડળી બનાવી 20 પરિવારને ધર્માંતરણ કરાવી આદિવાસી સમાજના રિતરિવાજ પૂજા પધ્ધતિ અને લગ્ન કે મરણની ક્રિયા બંધ કરાવી ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પૂજા કરાવે છે અને ગામમાં 90થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે અને તલાટી,સરપંચની સખત ના હોવા છતાં ગ્રામપંચાયતનું પણ માનતા નથી તેવા આક્ષેપો ગ્રામપંચાયતના સરપંચ,ડે.સરપંચ અને સભ્યોએ કર્યા છે.આ તમામ મુદ્દે પ્રશાસન તરફથી કડક પગલાં ન લેવામાં આવે તો ગામમાં કોઇ અપ્રિય ઘટના બને તો પ્રશાસનની જવાબદારી રહેશે તેવું શાહુડા ગ્રામપંચાયતે લેખિતમાં કપરાડા પોલીસ મથકના પીએસઆઇને ફરિયાદ અરજી કરી જિલ્લા પોલીસ વડા,કલેકટર અને મુખ્યમંત્રીને નકલ રવાના કરી છે.

અન્ય સમાચારો પણ છે...